ફ્રાન્સના એફિલ ટાવર ખાતે BAPSના પ્રતિનિધિમંડળની મુલાકાતને લઈને સ્ટાફ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ અંગે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ સ્પષ્ટતા કરી છે. સંસ્થાએ જણાવ્યું કે લગભગ 100 સભ્યોના મોટા પ્રતિનિધિમંડળની મુલાકાત અંગે એફિલ ટાવર મેનેજમેન્ટ સાથે અગાઉથી જ સંકલન કરવામાં આવ્યું હતું.
ફ્રાન્સના એફિલ ટાવર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધિમંડળની મુલાકાતને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે BAPSએ સત્તાવાર પ્રેસનોટ જાહેર કરીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. 8 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર કરાયેલી પ્રેસનોટમાં સંસ્થાએ એફિલ ટાવરના સ્ટાફ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ અને ત્યારબાદના મીડિયા અહેવાલોને લઈને સ્પષ્ટતા કરી છે.

લગભગ 100 સભ્યોનું પ્રતિનિધિમંડળ એફિલ ટાવર પહોંચ્યું હતું
BAPSના જણાવ્યા અનુસાર, શનિવારે એફિલ ટાવરની મુલાકાતે ગયેલા પ્રતિનિધિમંડળમાં લગભગ 100 સભ્યો સામેલ હતા. મોટી સંખ્યામાં લોકોનું પ્રતિનિધિમંડળ હોવાથી મુલાકાત અંગે એફિલ ટાવર મેનેજમેન્ટ ટીમ સાથે અગાઉથી સંકલન કરવામાં આવ્યું હતું.
સંસ્થાએ જણાવ્યું કે મુલાકાતનો સમય એફિલ ટાવરના સામાન્ય ઓપરેટિંગ સમયની શરૂઆતમાં રાખવામાં આવ્યો હતો, જેથી સ્ટાફ, અન્ય મુલાકાતીઓ અને સ્થળની સામાન્ય કામગીરીમાં શક્ય તેટલો ઓછો વિક્ષેપ પડે.
મુલાકાત માટે અગાઉથી કરવામાં આવ્યું હતું આયોજન
BAPSએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે આ સમગ્ર વ્યવસ્થા એફિલ ટાવરની કામગીરી અને લોજિસ્ટિક્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. મોટા સમૂહની મુલાકાત દરમિયાન અન્ય લોકો અથવા એફિલ ટાવરના કર્મચારીઓને કોઈ અસુવિધા ન થાય તે માટે અગાઉથી આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રેસનોટમાં સંસ્થાએ વધુમાં જણાવ્યું કે આ વ્યવસ્થા પાછળ જાતિ આધારિત કોઈ વિનંતી કરવાનો હેતુ નહોતો અને આવી કોઈ વાત BAPSના ભાઈચારા કે પ્રતિનિધિમંડળના મૂલ્યોને પ્રતિબિંબિત કરતી નથી.

‘જાતિ આધારિત વિનંતી કરવાનો કોઈ હેતુ નહોતો’
BAPSએ પોતાની પ્રેસનોટમાં સમાનતા, પરસ્પર સન્માન અને સૌની સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
સંસ્થાના જણાવ્યા અનુસાર, દરેક વ્યક્તિ સાથે લિંગ, પૃષ્ઠભૂમિ અથવા માન્યતાને ધ્યાનમાં લીધા વિના સમાનતા અને સન્માનથી વ્યવહાર કરવો એ BAPSની પરંપરાના મૂળ મૂલ્યોમાં સામેલ છે.
‘કોઈ મુલાકાતી કે સ્ટાફને પ્રવેશથી રોકવામાં આવ્યો નહોતો’
BAPSએ વધુમાં દાવો કર્યો છે કે તેમની જાણ મુજબ મુલાકાત દરમિયાન કોઈપણ મુલાકાતી અથવા એફિલ ટાવરના સ્ટાફને સ્મારકમાં પ્રવેશથી રોકવામાં આવ્યો નહોતો.
જોકે, એફિલ ટાવરના કર્મચારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને સંસ્થા ગંભીરતાથી લઈ રહી હોવાનું પણ પ્રેસનોટમાં જણાવાયું છે.
BAPSએ એફિલ ટાવર મેનેજમેન્ટનો આભાર માન્યો
પ્રેસનોટના અંતે BAPS સ્વામિનારાયણ સંસ્થા, ફ્રાન્સે એફિલ ટાવર મેનેજમેન્ટ અને સ્ટાફનો સહયોગ બદલ આભાર માન્યો છે.
સંસ્થાએ જણાવ્યું કે મોટા પ્રતિનિધિમંડળની મુલાકાત માટે કરવામાં આવેલી વ્યવસ્થાને કારણે જો કોઈ અસુવિધા અથવા અગવડ ઊભી થઈ હોય તો તેને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. સાથે જ, આ મામલે તમામ પક્ષો સાથે રચનાત્મક રીતે વાતચીત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
