ગુજરાતમાં હજુ 2 દિવસ મેઘમહેર! ગોધરામાં 3 કલાકમાં સાડા 3 ઈંચ વરસાદથી જળબંબાકાર

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી બે દિવસ પણ વરસાદની આગાહી કરી છે.

ગોધરામાં 3 કલાકમાં સાડા 3 ઈંચ વરસાદ

મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળ્યું છે. પંચમહાલના ગોધરામાં માત્ર બે કલાકમાં 3.31 ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 103 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે.

સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબીમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે આગામી 24 કલાક માટે સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

બનાસકાંઠા (વાવ-થરાદ), પાટણ, મહેસાણા, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

યલો એલર્ટ પણ જાહેર

સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે.

આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ તથા 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

38 NDRF-SDRF ટીમો તૈનાત

ભારે વરસાદને પગલે રાજ્યમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. NDRF અને SDRFની કુલ 38 ટીમો તૈનાત કરવામાં આવી છે. રાજ્યના 35 જળાશયો હાઈ એલર્ટ પર હોવાનું પણ જણાવાયું છે.

ગુજરાતમાં આગામી બે દિવસ કેવો રહેશે વરસાદ?

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

Share This Article