ફ્રાન્સના બુસી-સેંટ-જ્યોર્જેસમાં ‘નમસ્તે’ શિલ્પનું અનાવરણ થયું. ભારતીય સંસ્કૃતિ, સ્વાગત અને ભારત-ફ્રાન્સની મિત્રતાનું પ્રતીક બન્યું નવું સર્કલ.
પેરિસ નજીકના બુસી-સેંટ-જ્યોર્જેસમાં ‘નમસ્તે’ શિલ્પનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું, જે સ્વાગત, આદર, નમ્રતા અને ભારત-ફ્રાન્સની સાંસ્કૃતિક મિત્રતાનો સંદેશ આપે છે.
અમદાવાદના પ્રખ્યાત ‘નમસ્તે સર્કલ’ની જેમ હવે ફ્રાન્સમાં પણ ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન ‘નમસ્તે’ શિલ્પ સાથેનું સર્કલ આકાર પામ્યું છે. ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે મંગળવાર, 1 સપ્ટેમ્બરના રોજ નવા ‘નમસ્તે’ શિલ્પનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું.
એવન્યુ દુ જનરલ-દ-ગોલ ખાતે આવેલા રાઉન્ડઅબાઉટ પર સ્થાપિત આ વિશિષ્ટ શિલ્પમાં ભારતીય પરંપરાગત અભિવાદન ‘નમસ્તે’ કરતા બે હાથ દર્શાવવામાં આવ્યા છે. આ હાથ સ્વાગત, આદર અને નમ્રતાનું પ્રતીક છે.

ભારત-ફ્રાન્સની મિત્રતાનો સંદેશ
શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર સ્થાપિત આ શિલ્પનો હેતુ અહીં આવતા દરેક વ્યક્તિનું ઉષ્માભર્યું સ્વાગત કરવાનો છે. સાથે જ તે બુસી-સેંટ-જ્યોર્જેસની સાંસ્કૃતિક વિવિધતા અને અલગ-અલગ સમુદાય વચ્ચેની એકતાનો સંદેશ પણ આપે છે.
શિલ્પના અનાવરણ પ્રસંગે સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમાર, તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી આનંદસ્વરૂપદાસ સ્વામી અને BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં બુસી-સેંટ-જ્યોર્જેસના ‘પબ્લિક સ્પેસિસ’ વિભાગના વડા વેરોનિક લેકવા પણ ખાસ હાજર રહ્યા હતા. ‘નમસ્તે’ શિલ્પ અને સર્કલને સુંદર રીતે તૈયાર કરવામાં તેમણે આપેલા સહયોગ બદલ તેમનો આભાર માનવામાં આવ્યો હતો. આ સિવાય મેયર ઑફિસ તરફથી ડેપ્યુટી મેયર માર્ક નુગાયરોલ અને ચીફ ઑફ સ્ટાફ સેડ્રિક ટાર્ટોડ-જિનેસ્ટ પણ અનાવરણ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શહેરમાં વિવિધ સંસ્કૃતિના પ્રતીકો
બુસી-સેંટ-જ્યોર્જેસમાં વિવિધ દેશોની સંસ્કૃતિ અને પરંપરાઓને દર્શાવતા શિલ્પો સ્થાપિત કરવાની વિશેષ પરંપરા છે.
‘રોં-પોઇન્ટ દુ લાઓસ’ ખાતે શાંતિ અને સહિષ્ણુતાનો સંદેશ આપતું ત્રણ મોઢાવાળું હાથીનું શિલ્પ છે. જ્યારે ‘રોં-પોઇન્ટ ફ્નોમ પેન્હ’ ખાતે કમ્બોડિયન વારસાને દર્શાવતું બાયોન શિલ્પ અને ‘રોં-પોઇન્ટ સાઇગોન’ ખાતે વિયેતનામી શરણાર્થીઓની યાદમાં ‘લે રેવ દ લા મેર’ શિલ્પ સ્થાપિત કરવામાં આવ્યું છે.
હવે આ સાંસ્કૃતિક પ્રતીકોની શ્રેણીમાં ભારતીય સંસ્કૃતિ અને ‘નમસ્તે’ની ઓળખ દર્શાવતું નવું શિલ્પ પણ ઉમેરાયું છે.
BAPS મંદિરના ઉદ્ઘાટન પૂર્વે 13 દિવસનો સાંસ્કૃતિક મહોત્સવ
‘નમસ્તે’ શિલ્પનું અનાવરણ ‘ફેસ્ટિવલ ઑફ કલ્ચર’ના એક દિવસ પહેલાં થયું હતું. બુસી-સેંટ-જ્યોર્જેસમાં 13 દિવસ સુધી ચાલનારા આ સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન ફ્રાન્સમાં પરંપરાગત શૈલીમાં બનેલા પ્રથમ BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન અને લોકાર્પણની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે.
મેયર યાન ડુબોસ્કે આ પ્રસંગે ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે ‘નમસ્તે’ કરતા બે હાથને શાંતિ, દયા, ભાઈચારો અને ભારત-ફ્રાન્સની સંસ્કૃતિઓના સંગમનું પ્રતીક ગણાવ્યું હતું.
નવું ‘નમસ્તે’ સર્કલ હવે ફ્રાન્સમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ અને બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનું એક સુંદર પ્રતીક બની ગયું છે.
