મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નાંદેડ-ભોકર હાઈવે પર વાકડ ગામ નજીક ટ્રક અને ટાટા મેજિક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત સમયે બંને વાહનો પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા. વાકડ ગામ નજીક અચાનક બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ટાટા મેજિક વાહનનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તે રસ્તાની બાજુએ ફંગોળાઈ ગયું હતું.
અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી
ટક્કરનો ભયાનક અવાજ સાંભળતા આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને રેસ્ક્યૂ ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.
અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક ભોકરની સરકારી હોસ્પિટલ તેમજ નાંદેડની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
8 લોકોના મોત, 7 ઈજાગ્રસ્ત
પોલીસ ઈન્સ્પેક્ટર જગદીશ વંડરવારે અકસ્માતમાં 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. મૃતકોમાં એક પતિ-પત્ની અને બે સગા ભાઈઓનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્મતમાં ઈજાગ્રસ્ત થયેલા 7 લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસે તપાસ શરૂ કરી
પ્રાથમિક તપાસમાં બંને વાહનો પૂરપાટ ઝડપે હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક અધિકારીઓ અને નેતાઓએ પણ હોસ્પિટલની મુલાકાત લઈ ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
