અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવેલી સેવા વસ્તીમાં નિઃશુલ્ક શિક્ષણ આપતી ‘અનમોલ મોતી’ શાળાએ ફરી એકવાર માનવતાનું અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે. છેલ્લા 6 વર્ષથી આ શાળા દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેના કારણે આ શાળા વિસ્તારભરમાં જાણીતી બની છે. આ વખતે અનમોલ મોતી ફાઉન્ડેશનના પ્રણેતા પાયલ માનવતા (શાહ) દ્વારા બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ માત્ર એક સામાન્ય રમત નહતી, તેની પાછળ એક ખૂબ જ ભાવનાત્મક અને માનવતાભર્યો હેતુ હતો.
આ મેચ કોઈ જીત-હાર અથવા સ્પર્ધા માટે નહોતી, પરંતુ એક નાના બાળકના દિલને મજબૂત બનાવવાનો પ્રયાસ હતો. આ બાળક હાર્ટની ગંભીર સમસ્યાથી પીડિત છે અને તેની સારવાર માટે દર મહિને આશરે 6 થી 7 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનમોલ મોતી શાળાની સ્થાપક પાયલ માનવતા (શાહ)એ ચેરિટી બોક્સ ક્રિકેટ મેચનું આયોજન કર્યું. આ પહેલ દ્વારા લોકોમાં સહાનુભૂતિ જાગૃત કરી અને સારો એવો ફંડ એકત્રિત કરવામાં સફળતા મળી.
મેચ પૂર્ણ થયા બાદ ભેગા કરાયેલા ફંડ બાળક અને તેના વાલીઓને આપવામાં આવ્યા. આ ક્ષણ એટલી ભાવનાત્મક હતી કે ત્યાં હાજર અનેક લોકોની આંખોમાં આંસુ આવી ગયા. બાળક અને તેના પરિવારજનો પણ ભાવવિભોર થઈ રડી પડ્યા.
