ધોરણ 12 સાયન્સ વિદ્યાર્થીઓ માટે મોટી રાહત!, ફિઝિક્સ-કેમિસ્ટ્રીમાં મળશે ગ્રેસિંગ માર્ક્સ

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે પરિણામ પહેલા જ રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી તાજેતરની બોર્ડ પરીક્ષાના પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયા બાદ ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વિષયના કેટલાક પ્રશ્નોમાં ભૂલો હોવાનું નિષ્ણાતોએ નોંધ્યું હતું.

આ ભૂલોને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાતી- અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને 4 અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને 3 ગુણની લ્હાણી થઈ ગઈ છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સની પરીક્ષા લેવામાં આવ્યા બાદ મુખ્ય ચાર વિષયની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. જેમાં કેમિસ્ટ્રી અને ફિઝિક્સ વિષયના પ્રશ્નપત્રોમાં કેટલાક પ્રશ્નોમાં ભૂલ હોવાનું જણાતા તે પ્રશ્નો માટે વિદ્યાર્થીઓને ગુણ આપવાનું નક્કી કરાયું છે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં ચાર માર્કનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે.

શું છે સમગ્ર મામલો?

ગુજરાત શિક્ષણ બોર્ડની મુખ્ય લેખિત પરીક્ષા હોય કે ગુજકેટ પરીક્ષા દર વર્ષે એકથી બે જેટલા પ્રશ્નો ખોટા હોવાના લીધે ગ્રેસિંગ આપવું પડે છે એટલે કે પ્રશ્ન રદ કરીને તમામ વિદ્યાર્થીઓને સમાન ગુણ આપવા પડે છે. આ વર્ષે લેવાયેલી ધોરણ 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામાં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને બાયોલોજીમાં પૂછવામાં આવેલા 50 માર્કના એમસીક્યુ પ્રશ્નોમાંથી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના કેટલાક પ્રશ્નો ખોટા હોવાનું એક્સપર્ટના ધ્યાને આવ્યું હતું. જેથી બોર્ડ દ્વારા આ પ્રશ્નો રદ કરીને સમાન ગુણ આપવાનો નિર્ણય લેવાયો છે.

Share This Article