વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 8 માર્ચ એટલે કે આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ યોજાશે, જેને લઈને ક્રિકેટચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે BCCI અને ICC દ્વારા ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ઈન્ટરનેશનલ પૉપ સુપરસ્ટાર રિકી માર્ટિન, પંજાબી પૉપ સિંગર સુખવીર અને ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક T20 વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. આ પરફોર્મન્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 8 માર્ચે ફાઇનલ પહેલાં થશે. ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ICCએ એક સોશિયલ પોસ્ટમાં જણાવ્યું કે માર્ટિનનું લાઇવ પરફોર્મન્સ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે.
ભારતીય ટીમ અત્યંત શાનદાર ફોર્મમાં છે. સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડને ધૂળ ચટાડ્યા બાદ હવે ટીમ ઇન્ડિયાની નજર સતત બીજી વખત ખિતાબ જીતવા પર છે. અગાઉ 2024માં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે આ ટ્રોફી જીતી હતી. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પહોંચેલી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતને ટક્કર આપવા તૈયાર છે.