અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાંથી ફરી એકવાર હાઈ પ્રોફાઈલ પાર્ટી પર પોલીસે રેડ કરી હતી. પોલીસે બાતમીને આધારે રેડ કરીને એક નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ ગત રાત્રે ઝડપી પાડી છે. પોલીસે 80 જેટલા યુવક અને યુવતીની અટકાયત કરવામાં આવી છે.સાણંદના ગોરસ સિમ નજીક આવેલા નિર્વાણા ગ્રીન વિકેન્ડ હોમમાં એક પ્રાઈવેટ બંગલોમાં એક 25મી એનિવર્સરીની પાર્ટી હતી. જેમાં દારૂની મહેફિલનું આયોજન કરાયું હતું. જે અંગે બાતમી મળતા પોલીસની ટીમે રેડ કરીને 80 જેટલા યુવક અને યુવતીની ધરપકડ કરી હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન ત્યાંથી દારૂની બોટલો, હુક્કા સહિતના સાધનો તેમજ લક્ઝુરીયસ કારો જપ્ત કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પાર્ટીમાં હાજર કેટલાક મહેમાનો શહેરના પ્રતિષ્ઠિત વર્ગ સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. જપ્ત કરાયેલી લક્ઝુરી કારો પરથી આ પાર્ટીનું સ્તર અને ખર્ચાનો અંદાજ લગાવી શકાય છે. સાણંદ પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ 2,91,84,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલી વસ્તુઓની વિગત નીચે મુજબ છે.
દારૂનો જથ્થો: વિદેશી દારૂની 08 સીલબંધ બોટલ (કિંમત 43,550), 07 અડધી ભરેલી બોટલો અને 03 ખાલી બોટલો તેમજ દારૂ પીવા માટેના 70 કાચના ગ્લાસ.
હુક્કા અને ફ્લેવર્સ: રબ્બરની પાઇપવાળા 10 હુક્કા (કિંમત 10,000), હુક્કા ફ્લેવર્સના 08 પેકેટ અને 33 પ્લાસ્ટિકના ડબ્બા.
મોબાઈલ અને વાહનો: આરોપીઓ પાસેથી મળી આવેલા 74 મોબાઈલ ફોન (કિંમત 26,30,000) અને સ્થળ પરથી 22 લક્ઝરી ફોર-વ્હીલર ગાડીઓ (કિંમત 2,65,00,000) કબજે કરવામાં આવી છે.