અમેરિકન સુપ્રીમ કોર્ટનો ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, ટ્રમ્પ ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યો

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ડરાવવા અને વેપાર યુદ્ધ માટેની પરિસ્થિતિઓ બનાવવા માટે ટેરિફનો ઉપયોગ કર્યો. રશિયન તેલ ખરીદવાની વાત હોય કે રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવાની વાત હોય, ટ્રમ્પે ટેરિફનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો. યુએસ રાષ્ટ્રપતિએ તો આ યુએસ ટેરિફ દ્વારા વિશ્વભરમાં ઘણા યુદ્ધો રોકવાના દાવા પણ કર્યા હતા.ભારતની વાત કરીએ તો, અમેરિકાએ શરૂઆતમાં 25% પારસ્પરિક ટેરિફ લાદ્યો હતો અને પછી તેને વધારીને 50% કર્યો હતો, પરંતુ ભારત-અમેરિકા વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપતાની સાથે જ તેને 18% સુધી ઘટાડવામાં આવ્યો હતો. હવે જ્યારે યુએસ સુપ્રીમ કોર્ટે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો ઝટકો આપતા ટ્રમ્પ ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યો છે, ત્યારે ટ્રમ્પે 10% વૈશ્વિક ટેરિફની જાહેરાત કરી છે.

મળતી માહિતી મુજબ, અમેરિકન સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપતા તેમના ટેરિફ લાદવાના નિર્ણયને રદ કરી દીધો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જનતા પર ટેરિફ કે ટેક્સ લગાવવાનો અધિકાર માત્ર કોંગ્રે (સંસદ) પાસે છે, અમેરિકન પ્રમુખ પાસે નહીં. આ ઐતિહાસિક ચુકાદામાં ટ્રમ્પ વિરુદ્ધ કાનૂની લડાઈ લડવાનો શ્રેય એક ભારતીય મૂળના ધારાશાસ્ત્રી નીલ કાત્યાલને જાય છે. તેમની ધારદાર દલીલો અને કાનૂની કુનેહના કારણે સુપ્રીમ કોર્ટે સ્વીકારવું પડ્યું કે રાષ્ટ્રપતિ પાસે ટેક્સ લાદવાની અમર્યાદિત સત્તા નથી.કાત્યાલ ભૂતકાળમાં બરાક ઓબામાના શાસનકાળ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ તરીકે સેવા આપી ચૂક્યા છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી નીલ કાત્યાલે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, “આજે યુનાઇટેડ સ્ટેટ્સની સુપ્રીમ કોર્ટે કાયદાના શાસન અને સમગ્ર અમેરિકાના હિતમાં વલણ અપનાવ્યું છે. આ ચુકાદાનો સંદેશ એકદમ સરળ છે: ભલે રાષ્ટ્રપતિ ગમે તેટલા શક્તિશાળી હોય, પણ આપણું બંધારણ તેનાથી પણ વધુ શક્તિશાળી છે.”

 

Share This Article