UGVCLમાં નિયમો તોડી પ્રમોશન? પૂર્વ અધિકારીના પતિએ કલેક્ટરને કરી ફરિયાદ

Chintan Suthar

UGVCLની કોર્પોરેટ ઓફિસમાં કથિત પ્રમોશન કૌભાંડનો મુદ્દો હવે ગરમાયો છે. પૂર્વ આસિસ્ટન્ટ સેક્રેટરીના પતિએ મહેસાણા કલેક્ટરને પત્ર લખીને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. નિવૃત્તિના માત્ર 18 દિવસ પહેલાં નોટિસ અપાયાના આક્ષેપોથી સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની કોર્પોરેટ ઓફિસમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર અને અન્યાયી વલણ સામે આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ન્યાયની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. UGVCLના પૂર્વ આસિસ્ટન્ટ સેક્રેટરીના પતિ પૂનમચંદ વણકરે કલેક્ટરને પત્ર પાઠવીને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. નિયમો નેવે મૂકી પ્રમોશન આપ્યાનો આક્ષેપ રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓએ પરસ્પર મેળાપીપણું કરીને બે કર્મચારીઓને સરકારી મંજૂરી કે જરૂરી નિયમો વગર ખોટી રીતે ઉચ્ચ હોદ્દા પર પ્રમોશન આપી દીધું છે. આ કર્મચારીઓને ઉંચા પગાર-ભથ્થાં આપી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું છે. પૂનમચંદ વણકરે માંગ કરી છે કે આ બંને કર્મચારીઓ પાસેથી વ્યાજ અને પેનલ્ટી સાથે તમામ રકમ વસૂલવામાં આવે.

વર્ષ 2007ના એક જૂના કેસમાં નાણાં ભરવાની નોટિસ પધરાવી દઈને પજવણી કરવામાં આવી આ સમગ્ર મામલે ‘ઊલટા ચોર કોટવાલ કો દંડે’ જેવો ઘાટ સર્જાયો હોવાનું ફરિયાદીનું કહેવું છે. આક્ષેપ મુજબ તેમની પત્ની પાસે આ કથિત કૌભાંડની વિગતો હોવાથી તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમની પત્નીની નિવૃત્તિના માત્ર 18 દિવસ બાકી હતા ત્યારે જ સત્ય દબાવવાના આશયથી વર્ષ 2007ના એક જૂના કેસમાં નાણાં ભરવાની નોટિસ પધરાવી દઈને પજવણી કરવામાં આવી રહી છે. ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવાને બદલે પ્રામાણિક કર્મચારીને હેરાન કરવામાં આવતા હોવાનો ગંભીર ગણગણાટ શરૂ થયો છે.

UGVCL ના એમ.ડી.નો બચાવ બીજી તરફ આ ગંભીર આક્ષેપો અંગે જ્યારે UGVCL ના મેનેજિંગ ડિરેક્ટર નો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે આ મામલે મૌન સેવ્યું હતું. તેમણે ટૂંકમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર વિવાદ અત્યારે કોર્ટના આધીન છે અને બંને પક્ષો વચ્ચેનો મામલો ન્યાયતંત્ર પાસે હોવાથી તેઓ આ વિષય પર કોઈ પણ ટિપ્પણી કરવા માંગતા નથી.હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર કચેરીમાં થયેલી આ રજૂઆત બાદ આ કથિત ભરતી અને પ્રમોશન કૌભાંડમાં કોઈ તપાસના આદેશ આપવામાં આવે છે કે કેમ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *