પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં મોટો આત્મઘાતી હુમલો થયો છે. કોહાટના ઓલ્ડ પોલીસ લાઇન્સ વિસ્તારમાં આવેલી મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો. પ્રારંભિક અહેવાલોમાં મૃતકઆંક 16 જણાવાયો હતો, પરંતુ બાદના અહેવાલો મુજબ મૃતકઆંક વધીને 21 થયો છે અને 78 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
વિસ્ફોટકોથી ભરેલું વાહન પોલીસ લાઇન્સના ગેટ સાથે અથડાયું
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, વિસ્ફોટકોથી ભરેલું વાહન ઓલ્ડ પોલીસ લાઇન્સના ગેટ સાથે અથડાયું હતું. ત્યારબાદ મોટો વિસ્ફોટ થયો અને પોલીસ તથા હુમલાખોરો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. હુમલો એવા સમયે થયો જ્યારે પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો મસ્જિદમાં શુક્રવારની નમાજ અદા કરી રહ્યા હતા.
વિસ્ફોટના કારણે મસ્જિદ અને આસપાસની ઈમારતોને ભારે નુકસાન થયું હતું. દિવાલો ધરાશાયી થતાં કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા હતા અને રેસ્ક્યૂ ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.
21 લોકોના મોત, 78 ઘાયલ
મૃતકો અને ઘાયલોની સંખ્યા અંગે દિવસ દરમિયાન આંકડા બદલાતા રહ્યા હતા. શરૂઆતમાં 16 લોકોના મોત અને 50થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ હતા. પાકિસ્તાનના સત્તાવાર રેડિયો સહિતના અહેવાલોમાં 16 મોત અને 57 ઈજાગ્રસ્ત જણાવાયા હતા.
પરંતુ બાદમાં જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ 21 લોકોના મોત અને 78 લોકો ઘાયલ થયા હોવાનું બહાર આવ્યું છે. મૃતકોમાં 16 પોલીસકર્મીઓ અને 5 નાગરિકો હોવાનું India Todayએ અધિકારીના હવાલાથી જણાવ્યું છે.
હુમલા બાદ સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન
વિસ્ફોટ બાદ સુરક્ષા દળોએ સમગ્ર પોલીસ લાઇન્સ વિસ્તારને ઘેરી લીધો હતો. પોલીસ અને કાઉન્ટર ટેરરિઝમ વિભાગના જવાનોએ હુમલાખોરો સામે કાર્યવાહી કરી હતી.
અહેવાલો મુજબ હુમલા બાદ સશસ્ત્ર હુમલાખોરોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોની કાર્યવાહીમાં હુમલાખોરો માર્યા ગયા હોવાની માહિતી સામે આવી છે.
હુમલાની જવાબદારી કોણે લીધી?
હુમલાની જવાબદારી અંગે પણ અહેવાલોમાં તફાવત જોવા મળ્યો છે. Reutersના પ્રારંભિક અહેવાલ મુજબ તે સમયે કોઈ જૂથે જવાબદારી સ્વીકારી નહોતી અને TTPએ હુમલામાં સામેલ હોવાનો ઇનકાર કર્યો હતો.
