મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર, 650 એકમોમાં એક મહિનાનું ફરજિયાત વેકેશન

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

ખાડી દેશોમાં ભડકેલા ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધની સીધી અને માઠી અસર હવે આપણા મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે. ઈરાને ગુસ્સામાં આવીને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુસ’ બંધ કરી દેતા ગેસ અને તેલની ભારે કટોકટી સર્જાઈ છે.
ઇંધણના વધતા ભાવ અને અનિશ્ચિતતાને પગલે મોરબી સિરામિક એસોસિએશને આગામી એક મહિના સુધી તમામ કારખાનાઓ બંધ રાખવાનો ઐતિહાસિક અને સામૂહિક નિર્ણય લીધો છે. કોરોના કાળ પછી આ પહેલીવાર છે જ્યારે સિરામિક ઉદ્યોગને આ રીતે સામૂહિક બંધ પાળવાની નોબત આવી છે.

ગેસ કટોકટીને કારણે મોરબીમાં હાલમાં 200જેટલા એકમો બંધ થઇ જતા આ એકમોમાં કામ કરતા હજારો શ્રમિકોની રોજીરોટી પર માઠી અસર પડી છે. હોર્મુઝની ખાડી બંધ થવાને કારણે મોરબીને મળતો ગેસ સપ્લાય ખોરવાઈ ગયો છે, જેના પરિણામે આ વિસ્તારના મોટાભાગના સિરામિક એકમોમાં ઉત્પાદન અટકી પડ્યું છે. ગેસની અછતને કારણે ઘણા એકમો અગાઉથી જ બંધ થઈ ગયા હતા, ત્યારે હવે મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા બાકીના એકમોમાં પણ કામકાજ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મોરબી વિશ્વના ત્રણ સૌથી મોટા સિરામિક ક્લસ્ટરોમાં સ્થાન ધરાવે છે, જ્યાં ફ્લોર અને વોલ ટાઇલ્સ, વિટ્રિફાઇડ ટાઇલ્સ, સેનિટરી વેર અને ઇન્ડસ્ટ્રિયલ સિરામિક્સ જેવી વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન થાય છે. આ ઉદ્યોગ સંપૂર્ણપણે કુદરતી ગેસ પર નિર્ભર છે, જે મુખ્યત્વે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ દેશોમાંથી મેળવવામાં આવે છે.

સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં મોરબીમાં કુલ 627 સિરામિક ઉત્પાદક એકમો છે. તેમાંથી 430 ટાઇલ્સ ઉત્પાદક એકમો ગેસના અભાવે પહેલેથી જ બંધ થઈ ગયા છે. આશરે 150 જેટલા સેનિટરી વેર એકમો હાલમાં ચાલુ છે, કારણ કે તેમની ગેસની જરૂરિયાત પ્રમાણમાં ઓછી છે. તેમણે ઉમેર્યું હતું કે મંગળવારે મળેલી એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એસોસિએશને આગામી 20 થી 25 દિવસ માટે બાકીના તમામ સિરામિક એકમોમાં કામગીરી સ્થગિત રાખવાનું નક્કી કર્યું છે. 10 થી 15 એપ્રિલની આસપાસ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. પ્રાદેશિક તણાવ ઓછો થયા પછી ગલ્ફ દેશો તરફથી માંગ ફરી વધી શકે છે તેવી આશા રાખવામાં આવી રહી છે.

Share This Article