અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની લોહિયાળ ઘટના સામે આવી છે, જેનાથી આખો દેશ સ્તબ્ધ છે. અમેરિકાના રોડ આઇલેન્ડમાં સોમવારે બપોરે હાઈસ્કૂલ હોકી મેચ દરમિયાન ગોળીબાર થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલામાં હુમલાખોર સહિત 3 લોકોના મોત થયા છે. અન્ય 2 લોકોની હાલત ગંભીર છે.
https://x.com/HOTS_twt/status/2023565311832629556?s=20
મળતી માહિતી મુજબ, રોડ આઇલેન્ડમાં યોજાયેલી એક યુવા આઇસ હોકી મેચનું આયોજન કરાયું હતું. બંને ટીમો સિનિયર નાઇટની ઉજવણી કરી રહી હતી, ત્યારે ગોળીબાર શરૂ થયો હતો, જેના પગલે અફરાતફરી મચી ગઈ હતી. આ ગોળીબારની ઘટનામાં હુમલાખોર સહિત ત્રણ લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર, પોટકેટ પોલીસ વડા ટીના ગોન્કાલ્વેસે મીડિયાને માહિતી આપી હતી કે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે શૂટરનું મૃત્યુ ખુદને મારેલી ગોળીથી થયું છે. જોકે આ અથડામણમાં પોલીસ તરફથી કોઈ ગોળીબાર થયો નહોતો, તેમ છતાં અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે.પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કૌટુંબિક વિવાદ હોવાની આશંકા છે. હાલ પોલીસ પ્રોવિડન્સના ‘ડેનિસ એમ. લિન્ચ એરેના’ ખાતે સાક્ષીઓના નિવેદનો અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે જેથી આ આખી ઘટનાની કડીઓ જોડી શકાય.