પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ વચ્ચે ભારત માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. વૈશ્વિક સ્તરે ઊર્જા સપ્લાય અંગે ચિંતાઓ વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા મજબૂત રહે તેવી સકારાત્મક ઘટના બની છે.
ઈરાન-ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના તણાવ અને ચાલુ સંઘર્ષ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે.
અંદાજે 58,811 મેટ્રિક ટન LPG ક્ષમતા ધરાવતું ભારતીય જહાજ ‘ગ્રીન સાન્વી’ સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યું છે. હુમલાખોરો અથવા ખોટી ઓળખના જોખમથી બચવા માટે આ જહાજે પોતાની ખાસ રણનીતિ અપનાવી છે. તેના ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) સિગ્નલમાં ‘ઇન્ડિયન શિપ, ઇન્ડિયન ક્રૂ’ (Indian Ship, Indian Crew) નો સંદેશ દર્શાવવામાં આવી રહ્યો છે, જેથી તેની લોકેશન સતત ટ્રેક થઈ શકે અને કોઈ સંભવિત ખતરો ટાળી શકાય. આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે વિશ્વભરમાં ઊર્જા પુરવઠાની ચેન અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે.
‘ગ્રીન સાન્વી’ આગળ વધી ગયું હોવા છતાં, ‘જગ વિક્રમ’ અને ‘ગ્રીન આશા’ નામના બે અન્ય LPG ટેન્કરો હજુ પણ હોર્મુઝ પાસે સ્થિર છે. આ બંને જહાજોને સુરક્ષા અથવા ઓપરેશનલ કારણોસર હજુ સુધી આગળ વધવાની મંજૂરી મળી નથી. ઉલ્લેખનીય છે કે, હજુ પણ તેલ અને ગેસથી ભરેલા ઓછામાં ઓછા 15 ભારતીય જહાજો હોર્મુઝના પશ્ચિમ ભાગમાં ફસાયેલા છે.

