સાળંગપુરમાં હનુમાન જયંતીનો ભવ્ય મહોત્સવ ઉજવાયો, દાદાને 8 કિલો સોનાના વાઘા પહેરાવાયા

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

આજે ગુજરાત સહિત દેશભરમાં શ્રી હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સાળંગપુર ધામમાં હનુમાન જયંતીના પાવન અવસરે આ વર્ષે ભક્તિ અને ભવ્યતાનો અનોખો સમન્વય જોવા મળ્યો છે. કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’નો આરંભ ભારે ઉત્સાહ અને ધાર્મિક ઉર્જા સાથે કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ હજારો ભક્તો દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.

હનુમાન જયંતીના પાવન પર્વ પર વિશેષ દિવસે દાદાના જન્મોત્સવને યાદગાર બનાવવા માટે વહેલી સવારે 5:00 કલાકે મંગળા આરતી અને ત્યારબાદ 7:00 કલાકે શણગાર આરતી યોજાઈ હતી. દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી તૈયાર કરવામાં આવેલા અત્યંત કલાત્મક ‘નૂતન સુવર્ણ વાઘા’ અર્પણ કરવામાં આવ્યા છે. સોનાના આભૂષણો અને વસ્ત્રોમાં સજ્જ દાદાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

જન્મોત્સવની ઉજવણીમાં આધુનિકતા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. આકાશમાંથી 1 લાખથી વધુ બલૂન નીચે પાડીને દાદાના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો. હનુમાન જયંતી જન્મોત્સવ નિમિત્તે 151 કિલોની વિશાળ કેક કાપીને ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમગ્ર પરિસર ડી.જે.ના તાલે અને હનુમાન ચાલીસાના પાઠથી ગુંજી ઉઠ્યું હતું.

Share This Article