TAT આપતા ઉમેદવારો માટે મોટા સમાચાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે લેવાયો મહત્વનો નિર્ણય

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરી દેવાઈ છે અને જે મુજબ 26મી એપ્રિલે રાજ્યભરમાં ચૂંટણી છે. ત્યારે ચૂંટણી જાહેર થતાં અનેક શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના સમયપત્રક પર અસર પડી છે. જેમાં ખાસ કરીને ટાટ માધ્યમિકની 26મીથી બદલીને ત્રીજી મેના રોજ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી TAT સેકન્ડરી પરીક્ષા મૂળરૂપે 26 એપ્રિલે યોજાવાની હતી. આ પરીક્ષા ધોરણ 9 અને 10 માટે શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે, પરંતુ ચૂંટણીના કારણે તે દિવસે પરીક્ષા લેવાય તેવી શક્યતા ન હોવાથી બોર્ડે આ નિર્ણયમાં ફેરફાર કર્યો છે. હવે આ પરીક્ષા 3 મેના રોજ લેવામાં આવશે.

આ ફેરફારને કારણે રાજ્યભરના લાખો ઉમેદવારોને તેમની તૈયારી અને આયોજનમાં બદલાવ લાવવો પડશે. નોંધનીય છે કે TAT સેકન્ડરી માટે આશરે 2.07 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા એક અઠવાડિયા સુધી મુલતવી રાખવી એ મોટો નિર્ણય ગણાય છે. પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના મુજબ, પરીક્ષાની તારીખ સિવાય અન્ય કોઈ નિયમો કે શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે, પરીક્ષાની પ્રક્રિયા, માપદંડ અને અન્ય માર્ગદર્શિકાઓ અગાઉ જેવી જ રહેશે. માત્ર ઉમેદવારોને નવી તારીખને ધ્યાનમાં રાખીને પોતાની તૈયારી આગળ વધારવાની રહેશે.

Share This Article