કાળઝાળ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, કેટલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

માર્ચના અંત સાથે જ કાળઝાળ ગરમી શરૂ થવાની ધારણાઓ વચ્ચે એપ્રિલની શરૂઆતમાં કુદરતે અચાનક જ મિજાજ બદલી દીધો છે. ઉત્તર ભારતમાં હવામાન ફરી એકવાર મોટો પલટો લેવાની તૈયારીમાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ 3 થી 5 એપ્રિલ દરમિયાન શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ અનેક રાજ્યોમાં ભારે વરસાદ, કરા અને બરફવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ અચાનક બદલાવને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ શકે છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનનો પણ ખતરો ઊભો થયો છે.

https://x.com/Indiametdept/status/2039663427455488361?s=20

હવામાન વિભાગની આગાહી મુજબ, ચાલુ સપ્તાહથી જ હવામાનનો મિજાજ બદલાવાનું શરૂ થઈ જશે. મેદાની વિસ્તારોમાં પવન સુસવાટા સાથે વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત-રાજસ્થાન સરહદ પાસેથી પસાર થશે અને ઉત્તર-પશ્ચિમ ભારતને પાર કરતી વખતે વધુ શક્તિશાળી બનશે.

પહાડી વિસ્તારોમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ સાથે બરફવર્ષાનો દોર ફરી શરૂ થઈ શકે છે. બીજી તરફ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-NCR જેવા મેદાની વિસ્તારોમાં ગાજવીજ સાથે વંટોળ અને 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પણ ખરાબ હવામાનની અસર જોવા મળી શકે છે. આ સિસ્ટમ આગળ વધીને ઓડિશા અને પશ્ચિમ બંગાળ સુધી પણ પહોંચી શકે છે. આ કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થશે, જેના કારણે લોકોને ગરમીથી તાત્કાલિક રાહત મળશે, પરંતુ ઉનાળાની શરૂઆતમાં વિલંબ થવાની શક્યતા છે.

Share This Article