અમદાવાદમાં ગણેશ પંડાલ માટે કડક નિયમો: 2 ઈમરજન્સી એક્ઝિટ અને NOC ફરજિયાત, ફટાકડા-ધૂમ્રપાન પર પ્રતિબંધ

Chintan Suthar
By Chintan Suthar 3 Min Read

ગણેશોત્સવને લઈને અમદાવાદ શહેરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા ગણેશ પંડાલો અને મંડપો માટે કડક ફાયર સેફ્ટી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. શહેરમાં ગણેશ પંડાલના આયોજન માટે 12 મુદ્દાની ફાયર સેફ્ટી ગાઈડલાઈનનું પાલન ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ નિયમોનો મુખ્ય હેતુ ગણેશોત્સવ દરમિયાન આગ કે અન્ય કોઈ દુર્ઘટના સર્જાય તો જાનમાલનું નુકસાન ટાળી શકાય અને ઈમરજન્સીની સ્થિતિમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય તે છે.

બે ઈમરજન્સી એક્ઝિટ ગેટ ફરજિયાત

AMCની ગાઈડલાઈન મુજબ મોટા ગણેશ પંડાલોમાં સામસામેની દિશામાં ઓછામાં ઓછા બે ઈમરજન્સી એક્ઝિટ ગેટ રાખવા પડશે. દરેક એક્ઝિટની પહોળાઈ ઓછામાં ઓછી 1.5 મીટર હોવી જરૂરી છે.

પંડાલમાં ‘EXIT’ અને ‘NO SMOKING’ના સ્પષ્ટ સાઈન બોર્ડ લગાવવાના રહેશે. સાથે જ દર્શનાર્થીઓની ભીડને ધ્યાનમાં રાખીને વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 ચોરસ મીટર જગ્યા રાખવાની સૂચના આપવામાં આવી છે.

શાળા, હોસ્પિટલ અને હાઈટેન્શન લાઈન પાસે પંડાલ નહીં

ગણેશ મંડપ કે ટેમ્પરરી સ્ટ્રક્ચર શાળા, કોલેજ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થોના ગોડાઉન, ઇલેક્ટ્રિકલ સબ-સ્ટેશન, ટ્રાન્સફોર્મર, હાઈટેન્શન લાઈન અને રેલવે લાઈનથી સુરક્ષિત અંતરે જ ઊભા કરવા પડશે.

આ ઉપરાંત ફાયર બ્રિગેડના વાહનો ઈમરજન્સી સમયે સરળતાથી પહોંચી શકે તે માટે પંડાલ આસપાસના રસ્તા ખુલ્લા રાખવા પડશે.

NOC વિના પંડાલનું આયોજન નહીં

ગણેશ પંડાલના આયોજકોએ પોલીસ, ટ્રાફિક પોલીસ અને AMCના સંબંધિત વિભાગો પાસેથી NOC (No Objection Certificate) મેળવવું ફરજિયાત રહેશે.

આ ઉપરાંત અગ્નિ નિવારણ અને સુરક્ષા અંગેના પગલાંની ખાતરી આપતું નોટરાઇઝ્ડ સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે.

ફાયર એક્સટિંગ્વિશર અને તાલીમબદ્ધ કર્મચારી ફરજિયાત

પંડાલના કદ અને ક્ષમતા પ્રમાણે ABC અને CO₂ પ્રકારના ફાયર એક્સટિંગ્વિશર રાખવાના રહેશે. સમગ્ર ઉત્સવ દરમિયાન આગ બુઝાવવાના સાધનોનો ઉપયોગ કરવાની તાલીમ મેળવેલા ઓછામાં ઓછા બે વ્યક્તિઓ 24 કલાક સ્થળ પર હાજર રહે તે જરૂરી રહેશે.

જો પંડાલમાં ACની વ્યવસ્થા કરવામાં આવે તો પડદા અને કાર્પેટ જેવા સામાનમાં ફાયર-રિટાર્ડન્ટ સામગ્રીનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.

પંડાલમાં ફટાકડા, રસોઈ અને LPG પર પ્રતિબંધ

સુરક્ષાના કારણોસર પંડાલની અંદર કે બહાર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. પંડાલમાં રસોઈ બનાવવી, LPG સિલિન્ડર રાખવા તેમજ ધૂમ્રપાનના સાધનો રાખવા પર પણ સખત પ્રતિબંધ રહેશે.

તમામ ઇલેક્ટ્રિક વાયરિંગ PVCથી કવર કરેલું હોવું જોઈએ અને તેનું નિરીક્ષણ સરકાર માન્ય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પાસે કરાવવાનું રહેશે.

પંડાલની બહાર મહત્વપૂર્ણ માહિતી દર્શાવતું બોર્ડ

આયોજકોએ પંડાલની બહાર એક માહિતી બોર્ડ મૂકવાનું રહેશે. જેમાં આયોજકનું નામ અને મોબાઈલ નંબર, ફાયરમેન તથા ફાયર સેફ્ટી નિષ્ણાતના સંપર્ક નંબર તેમજ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સના હેલ્પલાઈન નંબર દર્શાવવાના રહેશે.

ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પંડાલોમાં દર્શન માટે આવતા હોવાથી AMC અને પોલીસ દ્વારા સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. આયોજકો માટે જાહેર કરાયેલી ફાયર સેફ્ટી ગાઈડલાઈનનું કડક પાલન કરવું ફરજિયાત રહેશે.

Share This Article