નાસિકમાં બેકાબૂ કાર કૂવામાં ખાબકી, એક જ પરિવારના 9 સભ્યોના કરૂણ મોત

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

મહારાષ્ટ્રના નાસિકમાં બનેલી આ અત્યંત હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાવી દીધી છે.જેમાં એક કાર કૂવામાં પડી જતાં એક જ પરિવારના છ બાળકો સહિત 9 લોકોનાં મોત થયા છે. આ અકસ્માત શુક્રવારે રાત્રે લગભગ 10 વાગ્યે ડિંડોરી શહેરના શિવાજી નગર વિસ્તારમાં થયો હતો. તમામ મૃતકો દરગોડે પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ડિંડોરી તાલુકામાં મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. એક મારુતિ XL6 કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલા પાણીથી ભરેલા ઊંડા કૂવામાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર તમામ નવ લોકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. મૃતકોમાં એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં ૬ બાળકોનો પણ સમાવેશ થાય છે.

અકસ્માતની જાણ થતા જ આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. કૂવામાં પાણી વધુ હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. ક્રેન અને સ્થાનિક તરવૈયાઓની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં કારમાં સવાર તમામ નવ લોકોના શ્વાસ થંભી ગયા હતા. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

Share This Article