દાળ અને શાકના વઘારમાં વપરાતા લીંબુ હવે સામાન્ય માણસના બજેટ બહાર જઈ રહ્યા છે. ખાંડ, ડુંગળી અને ખાદ્યતેલના વધતા ભાવ વચ્ચે અમદાવાદ શહેરની છૂટક બજારમાં લીંબુના ભાવમાં જંગી ઉછાળો નોંધાયો છે.
મોંઘવારીના માર વચ્ચે સામાન્ય માણસનું રસોડું વધુ એક વખત ખોરવાયું છે. ખાંડ, ડુંગળી અને ખાદ્યતેલના ભાવવધારા બાદ હવે રસોઈમાં દાળ અને શાકના વઘાર માટે અત્યંત જરૂરી એવા લીંબુના ભાવમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. માત્ર એક પખવાડિયા (15 દિવસ) ની અંદર જ અમદાવાદ શહેરની છૂટક બજારમાં લીંબુના ભાવ બમણાથી પણ વધુ થઈ ગયા છે.
એક પખવાડિયા પહેલાં શહેરની છૂટક બજારમાં રૂ. 120ના કિલો મળતા લીંબુના ભાવ આજે 240થી 260 થઈ ગયા છે. જેના કારણે હવે લોકો નંગના ભાવે લીંબુ ખરીદતા થઈ ગયા છે! સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ વધતા હોય છે. પરંતુ આ વખતે ચોમાસામાં વધેલા ભાવે આશ્ચર્ય સર્જ્યું છે.
કિલોના બદલે હવે લોકો નંગના ભાવે લીંબુ ખરીદવા મજબૂર
-
છૂટક બજાર: 15 દિવસ પહેલાં જે લીંબુ ₹120 પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા, તેના ભાવ આજે વધીને ₹240 થી ₹260 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.
-
નવાઈ પમાડતો વધારો: સામાન્ય રીતે દર વર્ષે ગરમીના દિવસો એટલે કે ઉનાળામાં લીંબુની માગ વધતાં ભાવ ઊંચા જતા હોય છે, પરંતુ ચોમાસાની ઋતુમાં લીંબુના ભાવમાં આટલો મોટો ભડકો થતાં ગ્રાહકો અને વેપારીઓ બંને આશ્ચર્યમાં મુકાયા છે.
-
નંગ દીઠ ખરીદી: ગૃહિણીઓનું બજેટ ખોરવાતાં લોકો હવે કિલોના બદલે 2 કે 4 નંગ હિસાબે લીંબુ ખરીદતા જોવા મળી રહ્યા છે.
દાળ-શાકનો વઘાર જેના વગર અધૂરો છે, તેવા લીંબુના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ગત 22 ઓગસ્ટે લીંબુનો જથ્થાબંધ ભાવ રૂ. 10થી 55 પ્રતિ કિલોનો હતો. જે આજે વધીને રૂ. 80થી 160 સુધી પહોંચ્યો છે. આ સમયગાળા દરમિયાન લીંબુની આવક 6,710 ક્વિંટલ થઈ છે. વર્ષ 2025માં આ સમયમાં અમદાવાદ યાર્ડની આવક 10,608 ક્વિંટલ હતી. એટલે કે આવકમાં 3,898 ક્વિંટલનો મોટો ઘટાડો છે. જેના કારણે રોકેટ ગતિએ ભાવ વધ્યા છે.
દક્ષિણ ભારત અને ગુજરાતની આવક ઠપ્પ, માત્ર રાજસ્થાનથી પુરવઠો
વેપારીઓના જણાવ્યા અનુસાર અમદાવાદમાં લીંબુનો મુખ્ય પુરવઠો આંધ્રપ્રદેશ સહિત દક્ષિણ ભારતના રાજ્યો તેમજ ગુજરાતના સ્થાનિક વિસ્તારો જેવાં કે મહેસાણા, ભાવનગર અને પાલિતાણાથી આવતો હોય છે. પરંતુ હાલમાં આ તમામ સ્થળોએથી આવક સાવ ઘટી ગઈ છે અથવા તો બંધ થઈ ગઈ છે. હાલ અમદાવાદ શહેરને માત્ર રાજસ્થાનથી જ લીંબુનો પુરવઠો મળી રહ્યો છે.
બાકી સામાન્ય રીતે ચોમાસામાં લીંબુનો છુટક બજારનો ભાવ રૂ. 100 થી 120 રૂપિયાની આસપાસ જ હોય છે. કારણ કે સપ્ટેમ્બર 2025 માં જ લીંબુનો જથ્થાબંધ ભાવ 10 થી 45 સુધીનો જ રહ્યો હતો.
ભાવવધારાના ૩ મુખ્ય કારણો
-
હવામાનની વિપરીત અસર: કૃષિ નિષ્ણાતોના મતે લીંબુ પકવતા વિસ્તારોમાં સતત પડેલી ગરમીના કારણે લીંબુ ઝાડ પર જ પીળા પડીને ખરી પડ્યા હતા.
-
વરસાદ ખેંચાતા ગરમી વધી: ચોમાસામાં વરસાદ ખેંચાવાના કારણે ફરી એકવાર ઉનાળા જેવું ગરમ વાતાવરણ સર્જાયું છે, જેના કારણે બજારમાં લીંબુની માગમાં અચાનક વધારો થયો છે.
-
માગ અને પુરવઠામાં તફાવત: સ્થાનિક જરૂરિયાત મુજબ જ ઓછું ઉત્પાદન થવાથી અને દક્ષિણ ભારતમાંથી આવક બંધ રહેતાં માગ સામે પુરવઠો ઓછો પડ્યો છે, જે ભાવવધારાનું મુખ્ય કારણ બન્યું છે.
