મહિલાઓને કોઈ નોકરી પર નહીં રાખે, પિરિયડ્સ લીવ મુદ્દે સુપ્રીમ કોર્ટનું મહત્વનું નિવેદન

Chintan Suthar

સુપ્રીમ કોર્ટે શુક્રવારે માસિક ધર્મ(પીરિયડ્સ) દરમિયાન રજા આપવાના રાષ્ટ્રીય કાયદા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, જો આવી રજાઓને કાયદાકીય રીતે ફરજિયાત બનાવવામાં આવે, તો તેનાથી કાર્યસ્થળ પર મહિલાઓ સાથે ભેદભાવ વધી શકે છે અને તેમના કરિયરમાં અવરોધ ઊભો થઈ શકે છે. કોર્ટે સાવધ કરતા કહ્યું કે, જો કાયદો કડક અને ફરજિયાત બનશે, તો કંપનીઓ મહિલાઓને નોકરીએ રાખતા અચકાશે, જેનાથી પ્રાઈવેટ અને સરકારી સેક્ટરમાં મહિલાઓની એન્ટ્રી પર અસર પડશે.

કોર્ટે કહ્યું કે આ મામલો સરકારની નીતિ સાથે સંબંધિત છે. સુનાવણી દરમિયાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે આવી અરજીઓ ઘણીવાર એવું વાતાવરણ બનાવે છે કે જાણે મહિલાઓ નબળી હોય અને માસિક ધર્મને કારણે તેમની સાથે કંઈક ખોટું થઈ રહ્યું હોય.

આ અંગે ચીફ જસ્ટિસે ટિપ્પણી કરતા જણાવ્યું કે, ‘આવી અરજીઓ મહિલાઓને ઓછી આંકવા માટે કરવામાં આવતી હોય તેવું લાગે છે. જો તમે તેને કાયદાકીય રીતે ફરજિયાત કરશો, તો કોઈ પણ તેમને નોકરી આપશે નહીં, ન્યાયતંત્ર કે સરકારી નોકરીમાં પણ અવરોધ આવશે અને તેમની કારકિર્દી જોખમાશે. સંસ્થાઓ એવું કહેવા લાગશે કે પીરિયડ્સ દરમિયાન તમે ઘરે બેસો.

કોર્ટે જણાવ્યું હતું કે અરજદારોએ તેમની માંગણી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સમક્ષ રજૂ કરી છે. તેથી, સરકારે આ બાબતે તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરવી જોઈએ અને નીતિ ઘડવાનો વિચાર કરવો જોઈએ. કોર્ટે આ મુદ્દે સીધો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *