અકસ્માતમાં અવસાન પામેલ મારી બહેનને આ જીત સમર્પિત : ઈશાન કિશન

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

રવિવારે ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026 જીતીને ઈતિહાસ રચ્યો છે, પરંતુ આ જીત ઈશાન કિશન માટે ભાવનાત્મક રીતે ખૂબ જ કપરું હતું. ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલમાં 25 બોલમાં 54 રનની તોફાની ઈનિંગ રમનાર ઈશાન કિશન જ્યારે આખું ભારત ટી20 વર્લ્ડ કપની જીતની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે અંદરથી ભાંગી પડ્યો હતો. ફાઈનલ મેચના માત્ર એક દિવસ પહેલા ઈશાનના પરિવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં બે સભ્યોને ગુમાવ્યા હતા. ઈશાને મેચ બાદ જણાવ્યું કે, ‘ફાઈનલના માત્ર એક દિવસ પહેલા જ તેણે તેની પિતરાઈ બહેન અને બનેવીને એક કાર અકસ્માતમાં ગુમાવ્યા હતા.’

મેચ બાદ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા ઈશાને જણાવ્યું કે, ‘શનિવારે (7 માર્ચ) મારી બહેનનું અકસ્માતમાં અવસાન થયું હતું. હું ખૂબ જ આઘાતમાં હતો, પણ હાર્દિક ભાઈએ મને હિંમત આપી અને કહ્યું કે ટીમને પ્રાથમિકતા આપો. આજે મહિલા દિવસ (આઠમી માર્ચ) પણ છે, એટલે મેં આ જીત મારી બહેનને સમર્પિત કરી છે.’ તેણે માત્ર બેટિંગ જ નહીં, પરંતુ વિકેટ પાછળ પણ બે શાનદાર કેચ ઝડપીને પોતાની વ્યાવસાયિક પ્રતિબદ્ધતા સાબિત કરી હતી.

લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહેલા ઈશાન કિશન માટે આ ટૂર્નામેન્ટ યાદગાર રહી છે. ચોથો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે, તેણે 9 ઇનિંગ્સમાં 35.22ની સરેરાશથી 317 રન ફટકાર્યા. આખી ટૂર્નામેન્ટમાં તેણે 193.29ના આક્રમક સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી. ઉલ્લેખનીય છે કે, ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જિતાડ્યા બાદ ભારતીય ટીમમાં પરત ફરેલા આ ખેલાડીએ સાબિત કરી દીધું કે તે માનસિક રીતે કેટલો મજબૂત છે.

Share This Article