અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધનો ચોથો દિવસ છે. ઈઝરાયલ અને અમેરિકાએ ભેગા થઈને ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયું છે. ઈરાને વળતો જવાબ આપવા ઈઝરાયલની સાથે સાથે ગલ્ફ દેશો પર પણ હુમલા કર્યા છે. સામે પક્ષે ઈઝરાયલની સેના પણ સતત ઈરાનમાં હુમલા કરી રહી છે. ઈરાનના પાટનગર તહેરાનમાં મહત્ત્વની ઈમારતો ધ્વસ્ત કરવામાં આવી રહી છે. સૌથી વધુ મૃત્યુ પણ ઈરાનમાં જ થયા છે. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જરૂર પડી તો તેઓ અમેરિકાની સેના ઈરાનમાં તૈનાત કરવા તૈયાર છે.

બીજીબાજુ હુમલાઓ વચ્ચે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોમવારે અમેરિકન નાગરિકોને સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સહિત મધ્ય-પૂર્વના એક ડઝનથી વધુ દેશો તાત્કાલિક છોડી દેવા અપીલ કરી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના કોન્સ્યુલર અફેર્સના આસિસ્ટન્ટ સેક્રેટરી મોરા નામદારે જણાવ્યું હતું કે, સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને યુએસ નાગરિકોએ ઉપલબ્ધ વ્યાપારી પરિવહન (commercial transportation) દ્વારા આ દેશો છોડી દેવા માટેની ભલામણ કરવામાં આવે છે.
આ ચેતવણી બહેરીન, ઇજિપ્ત, ઈરાન, ઇરાક, ઈઝરાયેલ, વેસ્ટ બેંક અને ગાઝા, જોર્ડન, કુવૈત, લેબનોન, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, યુએઈ અને યમન જેવા દેશોને લાગુ પડે છે.

