તમે ચોરીના તો અનેક બનાવ વિષે સાંભળ્યું હશે પણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં હવે તસ્કરોએ દૂધની ડેરીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. વસ્ત્રાલમાં રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ આવેલી યુનાઈટેડ સ્કૂલની આસપાસ અનેક દૂધની ડેરીઓ આવેલી છે, જ્યાં છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે અજાણ્યા શખ્સો દ્વારા દૂધની ચોરીના બનાવો વધી રહ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં દૂધ ચોરીના ચોરનો આતંક ફરી એકવાર ચર્ચામાં છે. સ્થાનિકો અને વેપારીઓ માલસામાનની સુરક્ષા માટે ચિંતિત છે. વહેલી સવારે યુનાઈટેડ સ્કૂલ પાસે આવેલા અમૂલ પાર્લરમાંથી 100 લિટર દૂધની થેલીઓ ઉઠાવી લેવાઈ છે, જેમાં સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સ્થાનિકોએ દૂધ ચોરી અટકાવવા અને ચોરને ઝડપવા માટે તાત્કાલિક પગલાં લેવા માગ કરી રહ્યા છે.
20 ફેબ્રુઆરીના રોજ નરોડા પોલીસ દ્વારા એ જ પ્રકારની ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ મોહમ્મદ શેખ અને મનીષ ઠક્કર હતા. પોલીસે તેમની ધરપકડ પછી તપાસમાં નરોડા, નિકોલ અને અમરાઈવાડી વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓનો રેકોર્ડ એકઠો કર્યો. તપાસમાં જાણવા મળ્યું કે ચોરોએ 31,000 રૂપિયાની રોકડ રકમ અને 35 નંગ દૂધના કેરેટ કબજે કર્યા હતા.
પોલીસે જણાવ્યું કે મોહમ્મદ શેખ પહેલાં પણ આવા ગુનાઓમાં સંડોવાયેલો હતો અને અગાઉ 18 ગુનાઓમાં તેના નામ નોંધાયેલા છે. તપાસને આગળ ધકેલી, પોલીસ સ્થાનિક દુકાનદારો અને પાર્લર માલિકોને સલાહ આપી રહી છે કે તેઓ દૂધ અને અન્ય નાસ્તા સામગ્રીની સુરક્ષા માટે વધારાની સાવચેતીઓ અપનાવે. CCTV ફૂટેજ અને મોબાઇલ ટ્રેકિંગ દ્વારા આરોપીઓની શોધખોળ અને આગળની કાર્યવાહી ઝડપી કરવામાં આવી રહી છે. આ સમગ્ર બનાવ શહેરમાં દૂધ વ્યવસાયની સુરક્ષા અને ચોરી અટકાવવા માટે ગંભીર ચેતવણીરૂપ બની છે.