સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં પોલીસની કાર્યવાહી, બ્લેક મેઈલિંગ કરનાર પૂનમ ભદોરિયાની ધરપકડ

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બિલ્ડરને આપઘાત માટે મજબૂર કરવાના આરોપસર પોલીસે તેની મહિલા મિત્ર સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

સુરત પોલીસે એક મોટી કાર્યવાહી કરતા તેમની મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની ધરપકડ કરી છે. પૂનમ ભદોરિયા પર તુષાર ઘેલાણીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો અને તેમને આર્થિક રીતે બ્લેકમેઈલ કરવાનો ગંભીર આરોપ છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પૂનમ વર્ષ 2010થી તુષાર ઘેલાણીના સંપર્કમાં આવી હતી અને શરૂઆતમાં તેમની જ ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. જોકે, સમય જતાં બંને વચ્ચે મિત્રતા વધી હતી, જે બાદમાં તુષારભાઈ માટે જીવલેણ સાબિત થઈ હતી.

મૃતક બિલ્ડર તુષાર ઘેલાણીએ પહેલી ફેબ્રુઆરી 2026ના રોજ પોતાના નિવાસસ્થાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાંચ દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ તબીબોએ તેમને ‘બ્રેઈનડેડ’ જાહેર કર્યા હતા. તેના મોત બાદ પરિવાર અને એક મહિલા મિત્ર સામસામે આવી ગયા હતા. તુષાર ઘેલાણીના પરિવારે ગંભીર આક્ષેપ કર્યો કે, મહિલા મિત્ર તુષારભાઈને સતત બ્લેકમેલ કરી રહી હતી અને તેમની પાસેથી દુકાન સહિતની કિંમતી મિલકતો પડાવી લીધી હતી.

હદ તો ત્યારે થઈ જ્યારે પૂનમે તુષારભાઈને તેમની દીકરીના લગ્નના દિવસે જ બદનામ કરી આબરૂના ધજાગરા કરવાની ધમકી આપી હતી. આ માનસિક દબાણ અને સામાજિક પ્રતિષ્ઠા ખરડાવાના ડરથી વ્યથિત થઈને 1લી ફેબ્રુઆરીએ તુષાર ઘેલાણીએ પોતાની જાતને ગોળી મારી દીધી હતી. પાંચ દિવસની ટૂંકી સારવાર બાદ તેમનું હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. 1990થી રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા અને પ્રતિષ્ઠિત બિલ્ડરના આવા અંતથી સમગ્ર સુરતમાં ચકચાર મચી ગઈ હતી.

સુરત પોલીસે પરિવારે આપેલી અરજી અને પુરાવાઓના આધારે પૂનમ ભદોરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં અનેક આર્થિક વ્યવહારોના ખુલાસા થવાની શક્યતા છે.

Share This Article