રાજ્યમાં 21 જૂનના રોજ યોજાનારી પોલીસ ભરતીની વિવિધ લેખિત પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. NEET પરીક્ષાના આયોજન અને વહીવટી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ ભરતી બોર્ડે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
ભરતી બોર્ડ દ્વારા અગાઉથી નક્કી કરાયેલી પરીક્ષાની તારીખ અને અન્ય રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા એક જ દિવસે આવતી હોવાથી વહીવટી કારણોસર આ ફેરફાર કરવાની ફરજ પડી છે. તંત્ર દ્વારા આજે બુધવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરીને ઉમેદવારોને જાણકારી આપવામાં આવી છે.
અગાઉના આયોજન મુજબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) તથા ટેકનિકલ ઓપરેટર (જાહેરાત ક્રમાંક: GPRB/202526/2), પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) (જાહેરાત ક્રમાંક: GPRB/202526/3) તેમજ હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1) (જાહેરાત ક્રમાંક: GPRB/202526/4)ની લેખિત પરીક્ષાઓ આગામી 21 જૂન 2026, રવિવારના રોજ યોજાવાની હતી. જો કે, આ જ દિવસે મેડિકલ પ્રવેશ માટેની પ્રતિષ્ઠિત ‘NEET’ની પરીક્ષા પણ યોજાનાર હોવાથી બંને પરીક્ષાઓ એક જ તારીખે ભેગી થતી હતી.

