સાલ યુનિવર્સિટી ખાતે મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા ફેકલ્ટી માટે વિશેષ “યોગ અને સાઉન્ડ હીલિંગ” સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં મહિલાઓ કામ, પરિવાર અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન સાધતા અનેક માનસિક અને શારીરિક પડકારોનો સામનો કરે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને તેમના સ્વાસ્થ્ય, મનની શાંતિ અને આંતરિક સંતુલન માટે આ સત્ર ખાસ રીતે રચાયું હતું.
આ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના વુમન્સ ડેવલપમેન્ટ કમિટીની ચેરપર્સન ડૉ. રિતુ સક્સેના અને કોઓર્ડિનેટર ડૉ. રમનજ્યોત શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વેલનેસ થેરાપિસ્ટ કાજલ શાહ દ્વારા સાઉન્ડ હીલિંગનો અનુભવ આપવામાં આવ્યો, જેમાં સાઉન્ડ વાઇબ્રેશન દ્વારા મન અને શરીરને સંતુલિત કરવાની પ્રક્રિયા સમજાવવામાં આવી. સાથે સાથે યોગ કોચ કૃતિ સોમપુરા દ્વારા સરળ અને અસરકારક યોગ અભ્યાસ કરાવવામાં આવ્યો. કાર્યક્રમના સંકલનમાં મયુર રાઠોડનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો તેમણે ઉર્જાવિજ્ઞાન અને તેના ઉપયોગ વિશે નિદર્શન ધ્વારા જાણકારી આપી હતી.
સત્ર દરમિયાન મહિલા ફેકલ્ટીએ પોતાના વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢીને આંતરિક શાંતિ અને નવી ઉર્જાનો સુંદર અનુભવ કર્યો અને કાર્યક્રમને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો.
