શિવ અને શક્તિના મિલનના પાવન પર્વ મહાશિવરાત્રિની ગુજરાતભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મહાશિરાત્રિના આ પાવન પર્વે સમગ્ર માહોલ શિવમય બન્યો હતો. અમદાવાદ સહિત ગુજરાતભરમાં શિવાલયમાં મહાદેવે અભિષેક અને પૂજા ચઢાવવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ શિવ મંદિરોમાં દર્શન માટે ભક્તો ઉમટી પડયા હતા. શિવાલયોમાં ધાર્મિક વિધિના ભાગરૂપે લઘુરુદ્ર યજ્ઞાનું પણ આયોજન કરાયું હતું, જેમાં વેદોક્ત મંત્રોચ્ચાર અને હોમ-હવનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયો હતો.
આ ઉપરાંત જગપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે હજારો દર્શનાર્થીઓએ ભગવાન ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવી વિશ્વશાંતીની ભાવના વ્યક્ત કરી હતી. દર વર્ષની માફક અનેક શ્રદ્ધાળુ ભાવિકો સોમનાથ, વેરાવળ, સુત્રાપાડાથી પગપાળા દેવાધિદેવના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. ચાર પ્રહરની પુજા સાથે આખી રાત મહાપુજા ચાલતી રહી હોવાને લીધે અંદાજે ત્રણ લાખ ભાવિકોએ મહાશિવરાત્રી પર્વના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.