બી.એ.પી.એસ. સંસ્થાના ગાદીસ્થાન બોચાસણમાં ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજનું આગમન થતાં સમગ્ર ચરોતર પ્રદેશમાં આનંદનો માહોલ છવાયો છે. શનિવારે સાંજે ગુરુહરિના વધામણાં કરવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતા. બોચાસણમાં પ્રવેશતા અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરુહરિને વધાવવા માટે સમગ્ર માર્ગને વિવિધ તોરણો, કમાનોથી અને કલાત્મક રંગોળી રચીને સુશોભિત કરવામાં આવ્યો હતો.મંદિરમાં પધાર્યા બાદ સ્વામીએ ઠાકોરજીના દર્શન કર્યા હતા. સ્વામીજીનું આગમન થતાં સૌ સંતો અને ચરોતર પ્રદેશના સૌ હરિભક્તો વતી સદગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી અને બોચાસણ મંદિરના કોઠારી પૂજ્ય વેદજ્ઞ સ્વામીએ સ્વામીજીનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ૫ જુલાઇ થી ૨૯ જુલાઈ સુધીના પૂ. મહંતસ્વામી ના રોકાણ દરમિયાન નિયત દિવસોમાં સ્વામીના દર્શન અને સત્સંગનો લાભ મળશે, જેમાં ૧૦ જુલાઇ, ગુરુવારે સવારે ૮ થી ૧૧.૩૦ દરમિયાન સ્વામીના પ્રત્યક્ષ સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ બોચાસણ સ્થિત સ્વામિનારાયણ બાગ, વાસદ- તારાપુર રોડ ખાતે દિવ્યતાથી ઉજવાશે. બોચાસણ મંદિરના કોઠારી પૂજ્ય વેદજ્ઞ સ્વામીએ ગુરુપૂર્ણિમા ઉત્સવમાં પધારવા માટે સર્વે ભાવિક ભક્તોને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે. તદુપરાંત મંદિર પરિસરમાં પ્રમુખસ્વામી સભાગૃહમાં નિયત કરેલ તારીખોમાં સવારે ૬ થી ૮ દરમિયાન સ્વામીની પ્રાતઃ પૂજાના દર્શન થશે અને સાયંસભા સાંજે ૫.૩૦ થી ૮ દરમિયાન યોજાશે જેમાં વિશિષ્ટ કાર્યક્રમો સંપન્ન થનાર છે. પૂજા દર્શન પૂર્વે સવારે ૫.૪૫ કલાકે સંસ્થાના વિદ્વાન સંતો દ્રારા કથામૃતનો લાભ પણ પ્રાપ્ત થશે.