વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ‘હરિત ઘર-સ્વચ્છ સમાજ’ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જન્મદિવસની પૂર્વસંધ્યાએ તા. 16 સપ્ટેમ્બર, 2026ના રોજ અમદાવાદમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
76 હજાર ઘરો સુધી પહોંચશે હરિયાળીનો સંદેશ
વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા શહેરના 76,000 ઘરોમાં ઘરઆંગણે જ લીલા શાકભાજી ઉગાડી શકાય તેવા હેતુથી રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના સેવાભાવી અગ્રણીઓના સહયોગથી હાથ ધરાયેલા આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકોને પોતાના ઘરમાં જ તાજા અને સ્વસ્થ શાકભાજી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
સંસ્થા અનુસાર, શાકભાજીના ઉત્પાદનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગથી ઊભા થતા આરોગ્ય સંબંધિત જોખમોને ઘટાડવા માટે ઘરઆંગણે લીલા શાકભાજી ઉગાડવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પર્યાવરણલક્ષી સ્ટાર્ટઅપ્સનું પણ પ્રદર્શન
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણના રક્ષણ માટે યુવાનો દ્વારા વિકસાવવામાં આવેલા વિવિધ આવિષ્કારો, ઉત્પાદનો અને સેવાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે અને આવા પર્યાવરણલક્ષી ઉકેલોનો ઉપયોગ વધે તે હેતુથી સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને iHubના સહયોગથી કરવામાં આવ્યું હતું. પ્રદર્શનનું ઉદઘાટન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બન્છાનિધી પાનીના હસ્તે કરવામાં આવ્યું હતું.

અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેષ બારોટ, ધારાસભ્યો, રાજકીય અગ્રણીઓ તેમજ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપી હતી.
વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ભાવેશ એસ. લાખાણી, પૂર્વ પ્રમુખ જી. ડી. પટેલ, કોર કમિટીના સભ્યો તથા સંસ્થાના અન્ય અગ્રણીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિશ્વભરમાં વસતા ગુજરાતીઓમાં ગુજરાતીપણાના સ્વાભિમાનની ભાવના વધુ મજબૂત બને તે માટે ‘હું ગુજરાતી-હું જ ગુજરાત’ના સંકલ્પને આગળ વધારવાની નેમ પણ વ્યક્ત કરવામાં આવી હતી.
‘હરિત ઘર-સ્વચ્છ સમાજ’ અભિયાનના માધ્યમથી ઘરઆંગણે શાકભાજી ઉગાડવા, પર્યાવરણનું રક્ષણ કરવા અને યુવાનોના પર્યાવરણલક્ષી નવીન વિચારોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
