આજના ડિજિટલ યુગની ઝડપી જીવનશૈલી અને વધતા માનસિક તણાવ વચ્ચે આંતરિક શાંતિ અને માનસિક પ્રફુલ્લતા માટે શ્રી ફાઉન્ડેશન દ્વારા સાયન્સ સિટી રોડ સ્થિત ક્લબ બેબીલોન ખાતે અનોખા ‘NAAD Resonance’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત યોગને આધુનિક સાઉન્ડ હીલિંગ, ડિજિટલ મ્યુઝિક અને ઇમર્સિવ વિઝ્યુઅલ્સ સાથે જોડતા આ કાર્યક્રમમાં સહભાગીઓને શરીર, મન અને શ્વાસ વચ્ચે સંતુલન સાધવાનો વિશિષ્ટ અનુભવ મળ્યો હતો.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સાઉન્ડ હીલિંગ રહ્યું હતું. સહભાગીઓને ખાસ વાયરલેસ હેડફોન્સ આપવામાં આવ્યા હતા, જેના માધ્યમથી પવિત્ર ધ્વનિ તરંગો, નાદ અને મ્યુઝિકનો અનુભવ કરાવવામાં આવ્યો. બહારના ઘોંઘાટથી દૂર રહીને સહભાગીઓએ સંગીતના તરંગો સાથે ઊંડા ધ્યાન અને આંતરિક શાંતિનો અનુભવ કર્યો.

કાર્યક્રમમાં ઇમર્સિવ વિઝ્યુઅલ્સ અને એમ્બિયન્સ પણ વિશેષ આકર્ષણ રહ્યા હતા. હોલમાં ખાસ વિઝ્યુઅલ પ્રોજેક્શન, લાઇટિંગ અને સંગીતના સંયોજનથી એક શાંત અને આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર અનુભવ વધુ ઇમર્સિવ બન્યો હતો.

શ્રી ફાઉન્ડેશનનાં ફાઉન્ડર પ્રિયા મહેતાએ જણાવ્યું હતું કે,
“આજની દોડધામભરી જિંદગીમાં લોકો શારીરિક રીતે જેટલા નહીં, એટલા જ માનસિક રીતે થાકી રહ્યા છે. ‘NAAD Resonance’ પાછળનો અમારો વિચાર એ છે કે ટેક્નોલોજી અને આપણી પ્રાચીન ભારતીય પરંપરાઓને એકસાથે લાવીને લોકોને પોતાના અંતરાત્મા સાથે જોડાવા માટે એક શાંત અવકાશ આપવો. સંગીત, યોગ અને શ્વાસનું સંયોજન વ્યક્તિને અંદરથી રિચાર્જ કરવાની શક્તિ ધરાવે છે.”
શ્રી ફાઉન્ડેશનના સિનિયર મેમ્બર અમિત મહેતાએ જણાવ્યું હતું કે,
“NAAD Resonance એ માત્ર એક ઇવેન્ટ નહીં પરંતુ મનને થોભીને પોતાની અંદર જોવાની એક સુંદર તક હતી. સંગીત, યોગ અને ઇમર્સિવ વાતાવરણના સંયોજનથી સહભાગીઓએ શાંતિ અને નવી ઊર્જાનો અનુભવ કર્યો.”
કાર્યક્રમના અંતે સહભાગીઓએ આ અનોખા અનુભવને મનને શાંત કરનાર અને નવી ઊર્જાનો સંચાર કરનાર ગણાવ્યો હતો. ‘NAAD Resonance’ દ્વારા શ્રી ફાઉન્ડેશને આધુનિક જીવનશૈલી વચ્ચે યોગ, નાદ અને આંતરિક સુખાકારીને નવી પેઢી સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.
