વડોદરામાં મગર બાદ હવે શિયાળ ઘુસી આવ્યું, લોકોમાં ભયનો માહોલ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

સંસ્કારી નગરી વડોદરામાં અવાર નવાર ચોમાસા દરમિયાન મગર રસ્તા અને સોસાયટીઓમાં ઘુસી આવતા હોવાના સમાચાર સામે આવી ચૂક્યા છે. જોકે હવે વડોદરામાં શિયાળ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. વડોદરાના ન્યુ સમા રોડ પર વહેલી સવારે વન્ય જીવ દેખાતા સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. અભિલાષા ચાર રસ્તા પાસે આવેલી ઇન્દ્રપુરી રેસીડેન્સીયલ કોમ્પલેક્ષમાં એકાએક જંગલી શિયાળ આવી ચઢતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, વન વિભાગની સમયસૂચકતાને કારણે શિયાળનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ અને અભિલાષા વિસ્તારમાં આવેલા ઇન્દ્રપુરી કોમ્પલેક્ષમાં અચાનક એક શિયાળ દેખાયું હતું. સામાન્ય રીતે માનવ વસવાટથી દૂર રહેતું આ પ્રાણી રહેણાંક વિસ્તારમાં કઈ રીતે આવ્યું તે ચર્ચાનો વિષય બન્યો છે. જંગલી પ્રાણીને જોઈને કોમ્પલેક્ષના સિક્યુરિટી ગાર્ડ અને વહેલી સવારે જાગેલા રહીશો ચોંકી ઉઠ્યા હતા. લોકોમાં એવી દહેશત છે કે જો શિયાળ હિંસક બને તો બાળકો અથવા વૃદ્ધો પર હુમલો કરી શકે છે.

Share This Article