મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે વધતા યુદ્ધના તણાવની ગુંજ આજે ભારતીય સંસદમાં સંભળાઈ હતી. વિદેશમંત્રી એસ જયશંકરે આજે સંસદમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા સહિતના મુદ્દે વાત કરી હતી.
વિદેશમંત્રી એસ જયશંકરે ગૃહમાં માહિતી આપી હતી કે, “ભારત આ વિસ્તારમાં સાર્વભૌમત્વ (Sovereignty) નું સમર્થક છે અને અમારું માનવું છે કે કોઈપણ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા શોધવો જોઈએ”. તેમણે કહ્યું કે, ગલ્ફ રિજનમાં એક કરોડ ભારતીયો રહે છે અને તેમની સુરક્ષા અંગે CCS ની બેઠકમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વિદેશ મંત્રીએ આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, અમે ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમે સતત તેમના સંપર્કમાં છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે અમે જાન્યુઆરીમાં જ અમારા નાગરિકોને ચેતવણી આપી હતી કે તેઓ જેટલી વહેલી તકે સ્વદેશ પરત ફરે. ઇઝરાયલ અને આસપાસના વિસ્તારોમાં રહેલા ભારતીયો માટે અમારા દૂતાવાસે એડવાઈઝરી પણ જાહેર કરી હતી.આ સાથે જ તેમણે ઉર્જા ક્ષેત્રની સ્થિતિ અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, સરકાર ઉર્જા ક્ષેત્રની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો અમારી પ્રાથમિકતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉર્જાના ભાવમાં થતા ફેરફાર પર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ.