મિડલ ઈસ્ટ યુદ્ધની ભારત પર અસર શરૂ, ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં ₹60 નો વધારો

Chintan Suthar

વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને મધ્ય પૂર્વમાં વધતા તણાવની સીધી અસર હવે ભારત પર પણ જોવા મળી રહી છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. દેશમાં ઘરેલું રસોઈ ગેસ (LPG) સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે,

મળતી માહિતી મુજબ, મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા પર જોવા મળી રહી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં ₹60 અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹115નો ઝીંકાયેલો વધારો આજથી જ અમલી બન્યો છે. આ ભાવવધારાને કારણે ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાવાની સાથે હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય નાના વ્યવસાયો પર પણ આર્થિક બોજ વધશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જા સંકટ ઘેરાતા ફુગાવાના આ નવા તબક્કાએ સામાન્ય ગ્રાહકોની ચિંતામાં વધારો કર્યો છે.આજે 7 માર્ચથી ઘરેલું અને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (Indian Oil Corporation – IOC) એ પોતાની વેબસાઇટ અપડેટ કરીને નવા દરો જાહેર કર્યા છે.સામાન્ય પરિવારો જેનો ઉપયોગ કરે છે તેવા 14.2 કિલોગ્રામના ઘરેલું LPG સિલિન્ડરની કિંમતમાં ₹60નો વધારો ઝીંકવામાં આવ્યો છે.

રિફાઇનરીઓને રાંધણ ગેસનું ઉત્પાદન વધારવા સરકારનો આદેશ : એસ્મા લાગુ

બીજીબાજુ સરકારે ઓછા ઉપયોગમાં લેવાતી ઇમરજન્સી સત્તાનો ઉપયોગ કરી ઓઇલ રિફાઇનરીઓને એલપીજી પ્રોડક્શન વધારવાના નિર્દેશ આપ્યા છે. સરકાર ખાડીના દેશોમાં વધતા વિવાદથી થનારી સંભવિત મુશ્કેલીઓથી બચવા માટે ડોમેસ્ટિક રસોઇ ગેસની ઉપલબ્ધતા વધારવા માંગે છે.ભારતની પાસે ઓઇલનો અનામત જથ્થો છે પણ એલપીજી પ્રોડક્શનમાં તેની અછત છે. પાંચ માર્ચનાં સરકારનાં આદેશ અનુસાર પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની રિફાઇનરીઓને જણાવવામાં આવ્યું છે કે તે પ્રોપેન અને બ્યુટેન સ્ટ્રીમનો વધારેમાં વધારે ઉપયોગ કરી સુનિશ્ચિત કરે કે ઉત્પન્ન થનારા પ્રોપેન અને બ્યુટેન સ્ટ્રીમનો ઉપયોગ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી)નાં ઉત્પાદન માટે કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે એલપીજી પ્રોપેન અને બ્યુટેનનું મિક્સચર છે. એસેન્શિયલ કોમોડિઝ એક્ટ, ૧૯૫૫ (જેને સામાન્ય રીતે એસ્મા કહેવામાં આવે છે)થી મળેલ સત્તાઓ હેઠળ જારી આ આદેશમાં રિફાઇનરીઓને જણાવવામાં આવ્યું છે કે તે આવા પ્રોડયુસ કરવામાં આવેલા એલપીજીને ફક્ત ત્રણ પબ્લિક સેક્ટર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ)ને ઉપલબ્ધ કરાવે. રિફાઇનરીઓને પેટ્રોકેમિકલ બનાવવા માટે પણ પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આદેશમાં જણાવવામાં આવ્યું છે કે તમામ ઓઇલ રિફાઇનરિંગ કંપનીઓ પેટ્રોકેમિકલ પ્રોડક્ટસ અથવા આવા બીજા ડાઉનસ્ટ્રીમ ડેરિવેટિઝ બનાવવા માટે પ્રોપેન અથવા બ્યુટેન સ્ટ્રીમને ડાયવર્ટ, ઉપયોગ, પ્રોસેસ, ક્રેક, કન્વર્ટ અથવા અન્ય કોઇ રીતે ઉપયોગ કરી શકશે નહીં. ભારતમાં ૩૩.૦૮ કરોડ સક્રિય એલપીજી ગ્રાહક છે. સરકાર કોઇ પણ અવરોધ વગર સપ્લાય જાળવી રાખવા માંગે છે. આ અગાઉ સરકારે યુક્રેન યુદ્ધ પછીના સમયમાં એસ્મા પ્રોવિઝિન લાગુ કર્યુ હતું. દેશમાં પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટે જરૂરી ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે પણ ૩૦ ટકા ગેસ સપ્લાય પણ અસર પડી છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *