અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. આ સાથે જ ઇરાન પર અમેરિકી હુમલાના 100 કલાક પૂરા થયા છે. છેલ્લા પાંચ દિવસમાં 1100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સંઘર્ષની આગ હવે હિંદ મહાસાગર સુધી ફેલાઈ ગઈ છે.
મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે ઓસ્ટ્રેલિયા પણ સક્રિય થયું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનિસે જાહેરાત કરી છે કે તેમનો દેશ મધ્ય પૂર્વમાં સૈન્ય સંસાધનો મોકલી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનિસે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે ઓસ્ટ્રેલિયન “સૈન્ય મિલકતો” મધ્ય પૂર્વ તરફ રવાના થઈ રહી છે. જોકે, સુરક્ષાના કારણોસર તેમણે કયા પ્રકારના હથિયારો કે સંસાધનો મોકલવામાં આવ્યા છે તેની વિગતવાર માહિતી આપી નથી. તેમણે આ પગલાને ‘કન્ટીન્જન્સી પ્લાન’ (કટોકટીની સ્થિતિ માટેની તૈયારી) ગણાવ્યો છે.
અમેરિકી સેનેટે ઈરાન પર હુમલા રોકવાનો પ્રસ્તાવ કર્યો ખારીજ
બીજીબાજુ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સરકારને મોટી રાજકીય સફળતા મળી છે. બુધવારે યુએસ સેનેટે (US Senate) રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઈરાન સામે લશ્કરી હુમલા ચાલુ રાખવાના અધિકારને મર્યાદિત કરવાના હેતુથી લાવવામાં આવેલા ઠરાવને બહુમતીથી નકારી કાઢ્યો છે.