લાખો હવાઈ મુસાફરોને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ નોંધપાત્ર રાહત આપી છે. DGCAએ ફ્લાઈટની ટિકિટ બુકિંગ અંગે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ ફ્લાઈટની ટિકિટ 48 કલાકમાં રદ કરાવતા ચાર્જ નહીં લાગે. એટલે કે મુસાફરોને 48 કલાક સુધી લુક-ઈન ઓપ્શન અપાશે. વધારાના ચાર્જ વગર રિફન્ડની પ્રક્રિયા 14 દિવસમાં પૂર્ણ કરાશે. ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવામાં આવતા 7 દિવસમાં રિફન્ડ મળશે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા નવા નિયમો હેઠળ આ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેને મુસાફરોના હિતમાં વધુ પારદર્શક બનાવવામાં આવ્યા છે. મુસાફરોની ફરિયાદો અને ટિકિટ રિફંડમાં વિલંબને ધ્યાનમાં રાખીને DGCA એ આ પગલું ભર્યું છે.DGCA ના નવા સુધારેલા નિયમો અનુસાર, જો ટિકિટ સીધી એરલાઇનની વેબસાઇટ પરથી બુક કરવામાં આવે છે તો મુસાફરો કોઈપણ વધારાના ચાર્જ વગર બુકિંગના 48 કલાકની અંદર તેમની ટિકિટ રદ કરી શકે છે. વધુમાં, જો ટિકિટમાં નામની ભૂલ હોય અને મુસાફર 24 કલાકની અંદર તેને સુધારે છે, તો કોઈ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આ સુવિધા ફક્ત ઓનલાઈન બુકિંગ કરનારા મુસાફરોને લાગુ પડે છે.
જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ અથવા ઓનલાઈન પોર્ટલ દ્વારા ખરીદવામાં આવી હોય તો રિફંડ માટે એરલાઇન જવાબદાર રહેશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઇન્સને 14 કાર્યકારી દિવસોમાં તમામ રિફંડ પ્રક્રિયા કરવા નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ છે કે મુસાફરોને હવે વધુ રાહ જોવી પડશે નહીં, અને રિફંડ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક હશે