ફ્રેન્ડ્સ સાથે વીડિયો કોલિંગ હોય કે પછી ફોન પર બિઝનેસ દરેક કામ માટે હવે વ્હોટ્સએપનો ઉપયોગ વધવા લાગ્યો છે. કંપની પણ યુઝર્સ એન્ગેજમેન્ટ વધારવા માટે નવાં નવાં ફીચર્સ રોલઆઉટ કરી રહી છે. ત્યારે WhatsApp હવે એક મેસેજ શેડ્યૂલિંગ ફીચર પર કામ કરી રહ્યું છે જે યુઝર્સને ચોક્કસ સમયે મેસેજ મોકલવાનું શેડ્યૂલ કરવાની મંજૂરી આપશે. આ ફીચર બીટા વર્ઝનમાં રોલઆઉટ કરવામાં આવ્યું છે.
મેસેજ શેડ્યૂલિંગનું ફીચર લોન્ચ થયા બાદ યુઝર મેસેજ લખીને એને ઓટોમેટિક સેન્ડ કરવા માટે ચોક્કસ તારીખ અને સમય પસંદ કરી શકે છે. આ ફીચરનો ઉપયોગ જન્મદિવસ જેવા મહત્ત્વના દિવસે શુભેચ્છા પાઠવવા, રીમાઇન્ડર તરીકે અને અન્ય મહત્ત્વની વાતો માટે ખૂબ જ કામ આવી શકે છે. જેટલા પણ મેસેજ શેડ્યૂલ કર્યા હશે એને WhatsApp ચેટ ઇન્ફોમાં આ દરેક શેડ્યૂલ મેસેજ જોઈ શકાશે. આથી આ તમામ મેસેજને સરળતાથી મેનેજ પણ કરી શકાશે.
WhatsApp ડેવલપમેન્ટને ટ્રેક કરતી સાઇટ WABetaInfo ના તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે, આ સુવિધા આપમેળે નિર્ધારિત સમયે ટેક્સ્ટ સંદેશા મોકલશે. આ વિકાસ સૌપ્રથમ ટેસ્ટફ્લાઇટ પ્રોગ્રામ (Testflight program) દ્વારા પ્રકાશિત નવીનતમ iOS બીટા અપડેટ (સંસ્કરણ 26.7.10.72) માં જોવા મળ્યો હતો.