અમદાવાદ સહિત ગુજરાતની વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાના ધમકીભર્યા ઈ-મેલ બાદ મચેલી અફરાતફરીના માહોલ વચ્ચે ગુજરાતના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવ કુમાર આજે(18 ફેબ્રુઆરી) અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિક, કલેક્ટર સુજીત કુમાર, ડીઈઓ રોહિત ચૌધરી સહિત જિલ્લા એસપી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરશે.વાસ્તવમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તાત્કાલિક એક્શનમાં આવી છે. વિદ્યાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે અને વાલીઓ પણ ચિંતામુક્ત રહે તે માટે ઉચ્ચ સ્તરે બેઠક યોજાઈ રહી છે.
ખાસ કરીને બોર્ડની આવનારી પરીક્ષાઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે મુદ્દે વિસ્તૃત આયોજન કરવામાં આવશે. હાલમાં CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને થોડા સમયમાં Gujarat Secondary and Higher Secondary Education Boardની પરીક્ષાઓ પણ શરૂ થવાની છે. આવી સ્થિતિમાં સ્કૂલોને મળતી ધમકીઓથી વિદ્યાર્થીઓમાં ભય ન ફેલાય તે સૌથી મોટો પડકાર છે.
બેઠકમાં ખાસ કરીને આ મુદ્દે ચર્ચા થશે કે પરીક્ષા દરમિયાન જો કોઈ શાળાને ધમકી મળે તો પોલીસ અને તંત્ર કેવી રીતે ઝડપી અને સંકલિત કાર્યવાહી કરશે. વિદ્યાર્થીઓને ગભરાટ ન થાય અને પરીક્ષા પ્રભાવિત ન થાય તે માટે આગોતરા માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે.