15 ફેબ્રુઆરી રવિવારે કોલંબો આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા ભારત પાકિસ્તાનના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને 61 રને કારમી હાર આપી ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં એન્ટ્રી કરી લીધી છે. ભારતે આપેલા 176 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાની ટીમ માત્ર 114 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી, અભિષેક શર્મા સસ્તામાં આઉટ થયો હતો. ઓપનર ઈશાન કિશને વિસ્ફોટક બેટિંગ કરી 40 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 77 રન ફટકારી ભારતને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતું અને ત્યારબાદ શિવમ દૂબેએ પણ સારી ઈનિંગ રમી હતી આમ ભારતે પાકિસ્તાનને 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બેટિંગમાં નિષ્ફળ રહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બોલિંગમાં કમાલ કરી હતી. તેણે પ્રથમ ઓવરમાં જ પાકિસ્તાની ઓપનર સાહિબઝાદા ફરહાનને શૂન્ય રને આઉટ કરી પાકિસ્તાનને દબાણમાં લાવી દીધું હતું.
જસપ્રીત બુમરાહે પોતાની બીજી જ ઓવરમાં સેમ અય્યુબ અને કેપ્ટન સલમાન અલી આગાને આઉટ કરીને પેવેલિયન ભેગા કરી પાકિસ્તાન બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. આ ઉપરાંત ભારતીય સ્પિનરોએ મેચ પર સંપૂર્ણ પકડ બનાવી રાખી હતી, અક્ષર પટેલે બાબર આઝમ અને ઉસ્માન ખાનની મહત્વની વિકેટ ઝડપી તો કુલદીપ યાદવ અને તિલક વર્મા અને વરુણ ચક્રવર્તીએ જોરદાર દેખાવ કરી પાકિસ્તાની બેટરોને બેટ ઉગામવા જ ન દીધું.
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. અત્યાર સુધી રમાયેલી 27 લીગ મેચો બાદ સુપર 8નું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ જેવી મજબૂત ટીમોએ આગલા તબક્કામાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યારે ઓમાન, નેપાળ અને નામિબિયા સત્તાવાર રીતે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. જોકે, સૌથી મોટો ઉલટફેર ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન જેવી ટીમોના સમીકરણોમાં જોવા મળી રહ્યો છે.
સુપર 8ની રેસ થઈ રોમાંચક
ગ્રુપ A: ભારત ક્વોલિફાય, પાકિસ્તાન માટે કપરા ચઢાણ
ગ્રુપ B: ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે મજબૂત
ગ્રુપ C: વેસ્ટ ઈન્ડિઝનું શાનદાર પ્રદર્શન
ગ્રુપ D: દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ ફેવરિટ
ટુર્નામેન્ટના રોમાંચક વળાંકો
આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી અનેક યાદગાર ક્ષણો જોવા મળી છે. અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ બે સુપર ઓવર સુધી ખેંચાઈ હતી, જેમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો હતો. તેમજ ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને હરાવીને આખી ટુર્નામેન્ટના સમીકરણો બદલી નાખ્યા છે.