ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણી શરૂ થઈ છે. કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે પ્રથમ ટી20 મેચ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા ભારતે દક્ષિણ આફ્રિકાને જીત માટે 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને બીજી ઇંનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 74 રન પર ઓલઆઉટ થઇ જતા ભારતનો 101 રનથી શાનદાર વિજય થયો છે. આમ સિરીઝમાં ભારત 1-0 થી આગળ થઇ છે. આ સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં વિજયી શરૂઆત કરી અને 1-0થી લીડ મેળવી.
ભારતે દક્ષિણ આફ્રિકાને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 12.3 ઓવરમાં ફક્ત 74 રનમાં ઓલઆઉટ થઈ ગયું. લગભગ અઢી મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરતા પંડ્યાએ અંતિમ ઓવરોમાં ધમાકેદાર ઇનિંગ્સ રમી, 28 બોલમાં 59 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગ્સમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. દરેક ભારતીય બોલરે વિકેટ લીધી. અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી. પંડ્યા અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી.
