રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ભારતના બે દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા છે અને આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પેહલી વખત પુતિન ભારત આવ્યા છે.
ત્યારે રશિયન રાષ્ટ્રપતિના આ પ્રવાસ પહેલાનો એક ઈન્ટરવ્યૂ સામે આવ્યો છે. જેમાં ભારતની મુલાકાતે આવેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો રશિયન ઈંધણ અમેરિકા ખરીદી શકે, તો ભારત કેમ નહીં? તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ માટે સતત પ્રહાર કરી રહ્યું છે. જેના કારણે ભારત પર ભારે ટેરિફ પણ લગાવવામાં આવ્યો છે.
એર ઇન્ટરવ્યૂમાં અમેરિકાના ટેરિફ પ્રેશરથી લઈ ભારત-રશિયા સહકાર અને ટ્રંપની નીતિઓ પર સ્પષ્ટ અને મક્કમ જવાબ આપ્યા. પુતિને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દબાણમાં ઝુકનારાં નથી. અમેરિકાની ભારત પરની ટેરિફ નીતિને લઈને તેઓએ ખૂલ્લેઆમ કહ્યું કે રશિયા અને ભારત કોઈના વિરોધમાં નહીં, પરંતુ પોતાના હિતમાં કામ કરે છે. તેમણે કહ્યું કે વિશ્વમાં ભારતની મજબૂત અને સ્પષ્ટ સ્થિતિને દરેક દેશ સમજી રહ્યો છે અને ભારત પોતાના નેતૃત્વ પર ગર્વ અનુભવી શકે છે.