ભારત અને અમેરિકાના વેપારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ અને સકારાત્મક વળાંક આવ્યો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળમાં લાદવામાં આવેલા નવા ટેરિફ નિયમો અને ત્યારબાદ ટપાલ સેવાઓના સ્થગિત થયાના વિવાદ બાદ, ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે.
આ નિર્ણય મુજબ ઈન્ડિયા પોસ્ટ આવતીકાલથી અમેરિકા માટે તમામ કેટેગરીની ટપાલ સેવાઓ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટે આ અંગે માહિતી આપી હતી કે, લોજિસ્ટિકલ પડકારો અને એર મેઈલ સંચાલનમાં ખામી સર્જાતાં અમેરિકામાં સસ્પેન્ડ કરવામાં આવેલી પત્રો, પાર્સલ અને એક્સપ્રેસ કન્સાઈનમેન્ટ્સ સહિતની સેવાઓ આવતીકાલે 15 ઓક્ટોબર, 2025થી ફરી શરૂ થશે.
યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (CBP) ની નવી માર્ગદર્શિકા મુજબ, હવે અમેરિકા જતા દરેક પાર્સલ પરની કસ્ટમ ડ્યુટી ભારતમાં જ અગાઉથી વસૂલવામાં આવશે અને સીધી યુએસ કસ્ટમ્સને મોકલી દેવામાં આવશે. આ પગલું MSME, કારીગરો અને ઈ-કોમર્સ નિકાસકારો માટે મોટા રાહતરૂપ અને સ્પર્ધાત્મક સાબિત થશે.
