દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે કડક પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ શરૂ કર્યું છે, જેના ભાગરૂપે રામોલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે શહેરના CTM એક્સપ્રેસ હાઇવે પરથી એક વાહનમાંથી અધધધ.. 50 લાખ રૂપિયાની રોકડ રકમ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.
રામોલ પોલીસે આ બે શખ્સો સામે તેમજ રોકડને લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રામોલ પોલીસની ટીમ CTM એક્સપ્રેસ હાઇવે પર નિયમિત ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન શંકાના આધારે એક વાહનને રોકાવીને તેની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન પોલીસને વાહનમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતી રૂ. 50 લાખની મોટી રોકડ રકમ મળી આવી હતી. પોલીસે તુરંત જ રોકડ રકમ જપ્ત કરીને વાહનમાં સવાર બે શખ્સો – દીપક કશ્યપ અને રવિ રાજપૂતની ધરપકડ કરી છે.
