દિલ્હીમાં શુક્રવારે, અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તકીએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની એન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં ફક્ત પુરુષ પત્રકારોને જ પ્રવેશવા અને સવાલ-જવાબ કરવા દેવામાં આવ્યા હતા.પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોના બહિષ્કાર મામલે વિવાદ સર્જાયો હતો.
વિપક્ષે સરકાર અને પુરુષ પત્રકારો પર આકારા પ્રહારો વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપી છે. આ આકરી ટીકાઓ બાદ આજે શનિવારે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપી હતી કે, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી દ્વારા ગઈકાલે શુક્રવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અમારી કોઈ દખલગીરી ન હતી. તેનું સંપૂર્ણ આયોજન અફઘાનિસ્તાનના પ્રતિનિધિ મંડળના અધિકારીઓએ કર્યું હતું.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપી છે કે, વિદેશ મંત્રી એસ. જયશંકર અને મુત્તાકી વચ્ચે દ્વિપક્ષીય બેઠક બાદ કોઈ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ નથી. માત્ર અફઘાનિસ્તાને પોતાના દૂતાવાસ પરિસરમાં એક અલગથી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુત્તાકીએ ભારત-અફઘાનિસ્તાન સંબંધો, માનવીય સહાયતા, વેપાર માર્ગો અને સુરક્ષા સહયોગ સહિત ક્ષેત્રીય મુદ્દાઓ પર વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં માત્ર પસંદગીના પુરુષ પત્રકાર અને અફઘાન દૂતાવાસના અધિકારી જ સામેલ થયા હતા.
