ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે. જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જશે, જેની અસર ગુજરાત પર થતાં વરસાદ પડશે.
આગામી 9 અને 10 જુલાઈએ નવી સિસ્ટમ સક્રિય થશે, જેથી 9થી 12 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 46.21 ટકા વરસાદ
મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 46.21 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 50.82 ટકા, કચ્છ વિસ્તારમાં 50.35 ટકા, સૌરાષ્ટ્રમાં 45.41 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 44.11 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 41.31 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.