દીપિકા પાદુકોણ, સૈફ અલી ખાન અને ડાયના પેન્ટી અભિનીત ફિલ્મ ‘કોકટેલ’ (Cocktail) દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મ 2012માં થિયેટરમાં રિલીઝ થઈ હતી અને હવે લગભગ 13 વર્ષ પછી, આ ફિલ્મની સિક્વલ આવી રહી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કૃતિ સેનનના નામ પહેલાથી જ ફાઈનલ કરી લેવાયા છે.
ત્યારે હવે ફિલ્મમાં કૃતિ ઉપરાંત અન્ય એક અભિનેત્રીનું પણ નામ જોડાયું છે. પુષ્પા ફિલ્મથી બોલીવુડમાં પોતાની પકડ જમાવનાર અભિનેત્રી રશ્મિકા મંદાના આ ફિલ્મમાં જોડાઈ છે. જોકે, કૃતિ અને રશ્મિકા મંદાનામાંથી દીપિકાવાળી ભૂમિકા કોણ કરવાનું છે તે અંગે હજી સુધી કોઈ અહેવાલ સામે આવ્યા નથી.
આ ફિલ્મમાં શાહિદ આ બંને એક્ટ્રેસ સાથે રોમાન્સ ફરમાવતો જોવા મળશે. ‘સ્ત્રી’ અને ‘છાવા’ સહિતની ફિલ્મોના નિર્માતા દિનેશ વિજન જ આ ફિલ્મ બનાવી રહ્યા છે. તેનું શૂટિંગ આગામી ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મ માટે ભારત ઉપરાંત યુરોપના કેટલાક સ્થળો પર પણ શૂટિંગ કરાશે.
