ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 7મી મેચ ગઈ કાલે શુક્રવારે સાંજે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ(PBKS) વચ્ચે રમાઈ હતી. આ હાઈ સ્કોરિંગ મેચમાં PBKSએ 5 વિકેટથી જીત મેળવી, પરંતુ ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરને મોટો ફટકો પડ્યો છે.
ટીમને એક જ ભૂલ માટે સતત બીજી વાર સજા ભોગવવી પડી છે. ટીમે પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવી હતી અને ત્યારબાદ ચેન્નઈ સુપર કિંગ્સને તેમના ઘરઆંગણે પરાજિત કરી સતત બીજી જીત મેળવી. તેમ છતાં, બંને મેચમાં સ્લો ઓવર રેટની ભૂલ ફરી થતાં કેપ્ટન શ્રેયસ ઐયર પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)એ શ્રેયસ ઐયર પર 24 લાખનો દંડ ફટકાર્યો છે.
IPLના નિયમો અનુસાર આ સીઝનમાં તેમની આ બીજી ભૂલ હોવાથી દંડની રકમ ડબલ કરવામાં આવી છે. આ પહેલા ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પણ તેમને ₹12 લાખનો દંડ થયો હતો. આમ, માત્ર બે મેચમાં જ અય્યરને કુલ ₹36 લાખનું નુકસાન ભોગવવું પડ્યું છે.

