પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

Chintan Suthar

કેન્સ સેમિકોન દ્વારા સાણંદમાં ₹3300 કરોડના ખર્ચે પ્લાન્ટનું નિર્માણ, ભારતના સેમિકન્ડક્ટર મિશનને મળશે ગતિ.

સાણંદ આજે ગ્લૉબલ મેપ પર સેમિકન્ડક્ટર હબ તરીકે ઊભરી રહ્યું છે, આ દાયકો ભારતના ટેક-ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે.

31 માર્ચ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદમાં કેન્સ (Kaynes) સેમિકોનની OSAT સુવિધાનો શુભારંભ કરાવશે. ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા 23 સપ્ટેમ્બર 2024માં મંજૂરી આપવામાં આવી હતી. ₹3300 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે.

રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે ખૂબ ઝડપથી કામગીરી થઇ રહી છે. માઇક્રોન પ્લાન્ટના શુભારંભ બાદ કેન્સ સેમિકોનની OSAT સુવિધા શરૂ થવાથી સ્થાનિક આર્થિક વિકાસને વધુ વેગ મળશે. OSAT એટલે કે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટમાં ચીપનું ટેસ્ટિંગ અને પેકેજિંગ કરીને તેને માર્કેટમાં પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. એક અંદાજ અનુસાર 31 માર્ચે શરૂ થનાર આ પ્લાન્ટમાં દિવસની 60 લાખ ચિપ્સ બનશે.

28 ફેબ્રુઆરી 2026ના રોજ નરેન્દ્ર મોદીએ માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પ્રોજેક્ટની ગતિશીલતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “જૂન-2023માં આ સુવિધા માટે MoU થયા, સપ્ટેમ્બરમાં ખાતમુહૂર્ત થયું અને આજે ફેબ્રુઆરી-2026માં કોમર્શિયલ પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે. વિશ્વના વિકસિત દેશોમાં પણ આવી મંજૂરીઓ અને પ્રક્રિયાઓમાં વર્ષો નીકળી જતા હોય છે, પરંતુ ભારતે આ અશક્ય કામ માત્ર 900 દિવસમાં પૂર્ણ કરીને બતાવ્યું છે. જ્યારે દાનત સાફ હોય અને નિષ્ઠા દેશના વિકાસ પ્રત્યે હોય, ત્યારે નીતિ સ્પષ્ટ બને છે અને નિર્ણયોમાં પણ ગતિ આપોઆપ આવી જતી હોય છે.”

ભારત હવે આ વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનનો ખૂબ જ મહત્વનો હિસ્સો બની રહ્યું છે. કોવિડના મુશ્કેલ સમયમાં વાવેલા બીજ આજે વટવૃક્ષ બનીને ફળ આપી રહ્યા છે અને અત્યાર સુધીમાં સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ 10 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી ચાર પ્રોજેક્ટ ગુજરાતમાં આકાર લઇ રહ્યા છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *