‘શિક્ષણ’ રામ ભરોસે : ગુજરાતની 29 સરકારી પોલિટેકનિકમાં આચાર્ય જ નથી

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

રાજ્યમાં ભણશે ગુજરાતની ગુલબાંગો વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. ગુજરાતમાં 29 સરકારી પોલિટેકનિકમાં આચાર્ય જ નથી. ગુજરાતની ૩૧ સરકારી પોલિટેકનિક (ડિપ્લોમા એન્જિનિયરિંગ) કોલેજોમાંથી હાલમાં માત્ર બે જ કોલેજોમાં પૂર્ણકાલીન આચાર્ય છે, જેમાંથી એક ટૂંક સમયમાં નિવૃત્ત થતા કાયમી આચાર્ય વગરની સ્થિતિ સર્જાઈ છે. આ સંસ્થાઓ ઇનચાર્જ આચાર્યના ભરોસે ચાલી રહી છે, જે શૈક્ષણિક વહીવટ અને નિયમનકારી ધોરણો માટે ચિંતાજનક છે.છેલ્લા કેટલાય સમયથી આ જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી.

AICTE ના નિયમો મુજબ નવી કોલેજોની મંજૂરી માટે આચાર્ય સહિત પૂરતો સ્ટાફ હોવો ફરજિયાત છે. જોકે, પૂર્ણકાલીન આચાર્યોની ગેરહાજરી અને સ્ટાફની અછત હોવા છતાં સરકારી સંસ્થાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. રાજ્યની 31 સરકારી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો (પોલિટેકનિક) માંથી હાલમાં માત્ર બે જ કોલેજોમાં પૂર્ણકાલીન આચાર્ય છે. જેમાંથી એક ત્રણ દિવસમાં નિવૃત્ત થવાના છે, જેના પરિણામે માત્ર એક જ કોલેજમાં કાયમી આચાર્ય બચશે. કાયમી આચાર્યના અભાવે વહીવટી નિર્ણયો પર માઠી અસર પડી રહી છે.કાયમી પ્રિન્સિપાલ ન હોવાના કારણે કોઇપણ નિર્ણય થઇ શકતો નથી. દરેક કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હોવાથી તેઓ અસરકારક નિર્ણય કરી શકતા નથી.

સરકારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોની વાત કરીએ તો, 16 માંથી 8 કોલેજોમાં કાયમી આચાર્ય છે, જ્યારે બાકીની 8 આચાર્ય વગર કાર્યરત છે. તેમાં પણ એક આચાર્યએ સ્વૈચ્છિક નિવૃત્તિ માંગી હોવાથી, આગામી ત્રણ દિવસમાં આ સંખ્યા ઘટીને સાત થઈ જવાની ધારણા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોમાં પૂર્ણકાલીન આચાર્યની જગ્યા માટે પ્રમોશનની પ્રક્રિયા અગાઉ શરૂ કરવામાં આવી હતી, પરંતુ અકળ કારણોસર તેને સ્થગિત કરી દેવામાં આવી હતી. આ વિલંબને કારણે કોલેજો કાયમી નેતૃત્વ વગરની રહી ગઈ છે, જેની અસર શૈક્ષણિક વહીવટ અને લાંબા ગાળાના આયોજન પર પડી રહી છે. આ પરિસ્થિતિએ રાજ્યની ટેકનિકલ શિક્ષણ પ્રણાલીમાં શાસન અને નિયમનકારી ધોરણોના પાલન અંગે ચિંતા જન્માવી છે.

Share This Article