અમદાવાદ એરપોર્ટ પર ચાર મહિલા મુસાફરો પાસેથી 1.52 કરોડ રૂપિયાની કિંમતનું 24 કેરેટ સોનું જપ્ત

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

ગુજરાતમાં વધુ એક દાણચોરીના પ્રયાસને કસ્ટમ વિભાગે નિષ્ફળ બનાવ્યો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા લગભગ 945.5 ગ્રામ 24 કેરેટ સોનાના દાગીના ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલી ચાર મહિલાઓની ધરપકડ કરી હતી. કસ્ટમ અધિકારીઓની નજરથી સોનું સેરવી જવા માટે દાગીના પર રોડિયમનું પડ લગાવવામાં આવ્યું હતું. આ દાગીનાની બજાર કિંમત 1.52 કરોડ આંકવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પર જેદ્દાહથી આવેલી ચાર મહિલા મુસાફરો પાસેથી 1.52 કરોડ રૂપિયાની કિંમતનું 24 કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તસ્કરોએ સોનાને ઓળખાય નહીં તે રીતે તેના પર રોડિયમનું પડ ચઢાવ્યું હતું, પરંતુ કસ્ટમ્સ અધિકારીઓની સતર્કતાએ આ આખા ખેલનો પર્દાફાશ કર્યો હતો.1 ફેબ્રુઆરીના રોજ જેદ્દાહથી અકાસા એરની ફ્લાઈટ નંબર QP 564 અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. મુસાફરોના સામાનના એક્સ-રે સ્કેનિંગ દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને કેટલીક શંકાસ્પદ છબીઓ જોવા મળી હતી.

શંકાના આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ની ટીમે મહિલા મુસાફરોને અટકાવી તેમની સઘન તપાસ હાથ ધરી હતી.આ દરમિયાન રોડિયમનું પડ ચડાવેલી સોનાની સાત બંગડીઓ મળી આવી હતી. જેમાં 945.57 ગ્રામ 24 કેરેટ સોનું હતું. માહિલાઓએ કસ્ટમ અધિકારીઓની નજરથી સોનું સેરવી લેવા માટે સોનાના દાગીના પર રોડિયમનું પડ લગાવ્યું હતું.તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સોનું કથિત રીતે મહિલાઓને તેમની સાથે મુસાફરી કરી રહેલા એક ટ્રાવેલ એજન્ટ દ્વારા સોંપવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલી વસ્તુઓ કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ જપ્ત કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

Share This Article